1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 21 મે 2024 (18:37 IST)

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ પર બેનર લાગ્યાંઃ હું ભ્રષ્ટાચારી બ્રિજ છું ખૂબ થાકી ગયો છું ક્યાં સુધી નડીશ?

ahmedabad bridge
ahmedabad bridge
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલો હાટકેશ્વર બ્રિજ છેલ્લાં બે વર્ષથી બંધ હાલતમાં છે. આ બ્રિજને તોડી પાડી નવો બનાવવામાં કોર્પોરેશન દ્વારા ટેન્ડરપ્રક્રિયા પણ કરવામાં આવી છે. પરંતુ હજી સુધી કોઈપણ કંપની બ્રિજ તોડી નવો બનાવવા તૈયાર નથી. બ્રિજના ટેન્ડરમાં હજી સુધી કોઈ કંપની રસ ન દાખવતાં હવે બ્રિજને કોર્પોરેશનને જાતે જ તોડવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ હાટકેશ્વર બ્રિજને લઈને હવે બેનરો લગાવી વિરોધ કરવામાં આવ્યો છે.જેમાં લખવામાં આવ્યું છે કે 'AMC, મને હટાઓ. હું ભ્રષ્ટાચારી બ્રિજ છું, ખૂબ થાકી ગયો છું, હું ક્યાં સુધી નડીશ' 
 
કોંગ્રેસ પક્ષે બ્રિજ પર બેનર લગાવીને વિરોધ કર્યો 
હાટકેશ્વર બ્રિજને લઈને ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ પણ કોઈ નિર્ણય ન લેતા હોવાને પગલે બ્રિજ અમદાવાદીઓ માટે પણ ચર્ચાનું સ્થાન બન્યો છે.
AMCના વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં જો સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો હોય તો 50 કરોડના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ છે. એક તરફ ભાજપ અને AMC ખૂબ જ મોટા ભ્રષ્ટાચારને અટકાવી શક્યા નથી. બીજી તરફ 680 દિવસ બાદ પણ બ્રિજ એ જ હાલતમાં છે અને એમાંથી કોઈ છુટકારો મેળવી શક્યો નથી. આજે કોંગ્રેસ પક્ષે એ બ્રિજ પર બેનર લગાવીને વિરોધ કર્યો હતો. હાટકેશ્વર બ્રિજનો ઝડપી નિકાલ કરવા માગણી કરી હતી.
 
RTI હેઠળ મળેલા દસ્તાવેજોમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી મોટા ભ્રષ્ટાચારનો નમૂનો ગણાતા એવા હાટકેશ્વર બ્રિજમાં વિજિલન્સ વિભાગની કામગીરી સામે હવે સવાલ ઊભા થયા હતા. બ્રિજ નિર્માણની કામગીરી દરમિયાન વિજિલન્સ વિભાગ દ્વારા સેમ્પલ લેવાની અને ચેકિંગ કરવાની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબોરેટરીમાં જે સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે એ ટેસ્ટિંગની કોપીમાં વિજિલન્સ વિભાગના કોઈપણ અધિકારીની ક્યાંય સહી પણ નહિ હોવાનું સામે આવ્યું છે. જે વિભાગ કોર્પોરેશનમાં કૌભાંડો અને જવાબદારોની સામે તપાસ કરતું હોય છે તેવા વિજિલન્સ વિભાગમાં કૌભાંડ ચાલતું હોવાની ચર્ચા છે. હાટકેશ્વર બ્રિજ મામલે RTI હેઠળ તેમને મળેલા દસ્તાવેજોમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે.