રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 24 મે 2024 (12:20 IST)

વાવાઝોડાને કારણે ગુજરાતમાં ચોમાસું મોડું પહોંચશે?

Cyclone
બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાશે, હવામાન વિભાગે માહિતી આપી છે કે હાલ બનેલી સિસ્ટમ મજબૂત બનશે અને તે વાવાઝોડામાં પરિવર્તિત થશે.બીજી તરફ ચોમાસાની ઍન્ટ્રી અરબી સમુદ્રમાં થઈ ગઈ છે અને બંગાળની ખાડીના કેટલાક વધુ વિસ્તારોમાં પણ ચોમાસું પહોંચી ગયું છે. હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે.
 
હાલ બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર એરિયા બની ગયો છે અને આ સિસ્ટમ દરિયામાં જ આગળ વધી રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ જલદી જ મજબૂત બનશે અને વાવાઝોડું બની જશે.આ વાવાઝોડું ભારતનાં કેટલાંક રાજ્યોને અસર કરશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ સંભાવના દેખાઈ રહી છે.
 
ગુજરાત સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો હાલ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે અને ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે.જ્યારે વાવાઝોડું સર્જાશે ત્યારે 60થી 70 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે અને પવનની ગતિ વધીને 80 કિમી પ્રતિકલાક સુધી પહોંચી શકે છે. 26 તારીખની સવારે વાવાઝોડું વધારે મજબૂત બનશે 
 
ત્યારે પવનની ગતિ 100-110 કિમી પ્રતિકલાક અને વધીને 120 કિમી પ્રતિકલાક સુધી પહોંચવાની સંભાવના છે.
 
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હાલ બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર એરિયા છે તે મજબૂત બનીને 24 મેના રોજ ડિપ્રેશનમાં ફેરવાશે અને ત્યાર બાદ સિસ્ટમ દરિયામાં આગળ વધશે.
આ સિસ્ટમ ઉત્તર-પૂર્વ તરફ આગળ વધતા તેને દરિયામાંથી વધારે તાકાત મળશે અને 25 મેના રોજ સવારે તે વાવાઝોડું બની જશે.
 
સામાન્ય રીતે ચોમાસા પહેલાં મે મહિનામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડાં વધારે અનુકૂળ પરિસ્થિતિઓ હોય છે. છેલ્લાં ચાર વર્ષોમાં એપ્રિલ મહિનામાં બંને દરિયામાં એક પણ વાવાઝોડું બન્યું 
 
નથી.
 
હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વાવાઝોડું ત્યાર બાદ ઉત્તર તરફ આગળ વધશે અને બાંગ્લાદેશ તથા પશ્ચિમ બંગાળના દરિયાકિનારે ટકરાય તેવી સંભાવના દેખાઈ રહી છે.
 
26 મેના રોજ જ્યારે તે દરિયાકાંઠે પહોંચશે ત્યારે તે ભીષણ ચક્રવાત બની ગયું હશે, એટલે કે વાવાઝોડું વધારે તાકતવર બનીને દરિયાકાંઠે ત્રાટકશે.
 
વાવાઝોડાને કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ તથા પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આ સિવાય અન્ય વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે.
 
સામાન્ય રીતે ચોમાસું શરૂ થવાની આસપાસ વાવાઝોડાં સર્જાય તો તેની અસર ચોમાસા પર પડતી હોય છે. કેટલીક વખત વાવાઝોડાને કારણે ચોમાસું વહેલું આવી જાય તો કેટલીક વખત ચોમાસું વાવાઝોડાના 
 
કારણે મોડું થતું હોય છે.
 
2023માં બિપરજોય નામનું વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યું ત્યારે કેરળમાં ચોમાસાની પ્રગતિ અટકી ગઈ હતી અને ચોમાસું 7 દિવસ મોડું થયું હતું. જેના લીધે ગુજરાતમાં પણ ચોમાસું મોડું થયું હતું.
 
હવામાન વિભાગે હજી આ મામલે કોઈ માહિતી આપી નથી કે આ વાવાઝોડાની અસર ચોમાસાની પ્રગતિ પર થશે કે નહીં.
 
ચોમાસું 22 મેના રોજ આગળ વધીને અરબી સમુદ્રમાં પહોંચી ગયું છે અને બંગાળની ખાડીના વધારે વિસ્તારોને પણ તેણે આવરી લીધા છે.
 
આ પહેલાં હવામાન વિભાગે કહ્યું હતું કે ચોમાસું 31 મેના રોજ કેરળ પર પહોંચશે અને પછી અન્ય વિસ્તારો તરફ આગળ વધે તેવી સંભાવના છે.
 
વેધર ચેનલના અહેવાલ પ્રમાણે જો વાવાઝોડું બનવા છતાં હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું તેના સમય પ્રમાણે જ પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
 
ગુજરાતમાં વરસાદ ક્યારે થશે?
ગુજરાતમાં વાવાઝોડાને કારણે વરસાદ થવાની શક્યતા નથી કેમ કે વાવાઝોડું રાજ્યથી સેંકડો કિલોમીટર દૂર છે અને તે બાંગ્લાદેશ તરફ જશે.
 
સામાન્ય રીતે જ્યારે વાવાઝોડું સર્જાય ત્યારે તે સેંકડો કિલોમીટર સુધીના પવનો તેની સાથે ખેંચી લે છે અને તેના કારણે ભેજ પણ તેની સાથે ખેંચાઈ જાય છે.
 
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં હજી પણ આવનારા પાંચ દિવસ સુધી ભીષણ ગરમી ચાલુ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં હાલ ઉનાળાનો આકરો તાપ પડી રહ્યો છે.
 
અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ડીસા, ગાંધીનગર વગેરે વિસ્તારોમાં તાપમાન 43થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે અને હજી સતત ગરમી પડી રહી છે.
 
ગ્લોબલ ફૉરકાસ્ટ સિસ્ટમના મૉડલ પ્રમાણે રાજ્યમાં ચોમાસું પહોંચે તે પહેલાં જ વરસાદી ગતિવિધિ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે.
 
દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં સૌથી પહેલાં વરસાદી ગતિવિધિઓ શરૂ થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે.
 
હાલની સ્થિતિ પ્રમાણે કદાચ આ મહિનાના અંત તથા જૂન મહિનાની શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થાય તેવી શક્યતા છે.
 
ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર તારીખ 15 જૂન છે અને તેની આસપાસ દર વર્ષે ચોમાસાની શરૂઆત થતી હોય છે.