સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 મે 2023 (18:14 IST)

રથયાત્રાથી અમદાવાદમાં સાબરમતિ નદી પર ફ્લોટિંગ રેસ્ટોરાં શરૂ થશે, 2 હજારથી 2500 ચાર્જ

Floating restaurants on the Sabarmati River in Ahmedabad will begin with the Rath Yatra
Floating restaurants on the Sabarmati River in Ahmedabad will begin with the Rath Yatra
સાબરમતી નદીમાં આગામી 20 જૂને રથાયાત્રાના દિવસે ફ્લોટિંગ રેસ્ટોરાં શરૂ કરી દેવા રિવરફ્રન્ટ કંપનીએ કવાયત હાથ ધરી છે. જો કે, હાલમાં ક્રૂઝના ટ્રાયલ રનની કામગીરી ચાલી રહી છે અને સેફ્ટી ઓડિટ પણ કરવામાં આવી રહ્યું છે. ફ્લોટિંગ રેસ્ટોરાંમાં લંચ માટે 2 અને 2 ડિનર માટે બે ટાઈમ રહેશે. એટલે કે, સવારે 11.30થી 1 અને 1થી 2.30 વાગ્યા સુધી એમ બે ફેરામાં 100-100 માણસો નદી સફર માણતા માણતા લંચ લઈ શકશે. ​​​​​​​એ જ રીતે ડિનર માટે સાંજે 8થી 9.30 અને 9.30થી 11 વાગ્યા સુધી એમ બે ડિનરની સુવિધા આપવામાં આવશે. હજુ સુધી આ રેસ્ટોરાંમાં જમવાનો અને સફરનો ચાર્જ સત્તાવાર રીતે નક્કી કરાયો નથી. પરંતુ અધિકારી સૂત્રોના કહેવા મુજબ પ્રતિ વ્યક્તિ 2 હજારથી 2500 રૂપિયાનો ચાર્જ નક્કી થઈ શકે છે.

પ્રત્યેક ફેરામાં મહત્તમ 100થી 120 લોકો બેસી શકશે. ફ્લોટિંગ રેસ્ટોરાંની ક્ષમતા 150 વ્યક્તિ વહન કરવાની છે. પરંતુ 30 જેટલા ક્રૂ-મેમ્બર્સ, રેસ્ટોરાંનો સર્વિસ સ્ટાફ, કેપ્ટન સહિતનો સ્ટાફ હોવાથી 120 લોકો જ બેસી શકશે.આ રેસ્ટોરાંમાં બુકિંગની તમામ વ્યવસ્થા માત્ર ઓનલાઈન જ રહેશે. સ્થળ પર કોઈપણ પ્રકારની અવ્યવસ્થા સર્જાય નહીં તે માટે ઓફલાઈનની સુવિધા ઊભી નહીં કરવાનો નિર્ણય રિવરફ્રન્ટ કંપની દ્વારા લેવામાં આવ્યો છે.

રિવરફ્રન્ટના સરદાર બ્રિજથી લોઅર પ્રોમિનન્ટથી અટલ બ્રિજ જતાં જેટી ઊભી કરવામાં આવશે. જ્યાંથી લોકો ક્રૂઝમાં બેસી શકશે. સરદાર બ્રિજથી ગાંધી બ્રિજની વચ્ચે આ ફ્લોટિંગ રેસ્ટોરાં શરૂ થશે. અટલ બ્રિજ પાસે ફોટો સેશન માટે ક્રૂઝ ઊભું રખાશે. રિવરફ્રન્ટ કંપનીએ ખાનગી કોન્ટ્રાક્ટર અક્ષર ટ્રાવેલ્સને રેસ્ટોરાં ઓપરેટિંગ માટે આપી દેવામાં આવ્યો છે. વાર્ષિક આવકનો હિસ્સો શેરિંગને શરતે આ કામ ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ બન્યો ત્યારથી અત્યાર સુધીમાં 3થી વધુ એજન્સીઓ ફ્લોટિંગ રેસ્ટોરાં ચલાવવા માટે આવી હતી. જો કે, છેલ્લા 10 વર્ષમાં આ પ્રોજેક્ટ સફળતા પૂર્વક ચાલુ થયો ન હતો. પહેલી વખત ક્રૂઝનું 80 ટકા કામ પૂર્ણ થયું છે.