મંદિરના પૂજારીની પત્નીને છેતરીને 100 રૂપિયા આપી 97 હજારના દાગીનાની ઠગાઈ
ઠગ ચોર ટોળકીએ હવે મંદિરને પોતાના ટાર્ગેટ બનાવ્યાં છે. નવા નવા આઈડિયા અપનાવી ઠગ ટોળકીઓ મંદિરમાં હવે પૂજા કરવાના બહાને પહોંચી જાય છે. જ્યાં એકલ દોકલ મહિલાને વાતોમાં ફસાવીને તેમની કિંમતી વસ્તુઓ ઉતરાવી લે છે. એવો જ કિસ્સો અમદાવાદમાં બન્યો છે. પૂજારીની પત્નીને 100 રૂપિયા આપી 97 હજારના દાગીના લઈને શખ્સ રફુચક્કર થઈ ગયો છે. રાણીપ વિસ્તારમાં આવેલા ચંદ્રેશ્વર મહાદેવ મંદિરમાં પંકજ પડ્યા પૂજા વિધિ કરાવે છે. તેમના 60 વર્ષીય પત્ની મનીષાબેન પણ રોજ તેમની સાથે મંદિર જતા હોય છે. મંગળવારે સાંજે પંકજભાઈ કોઈ વિધિ કરવા માટે મંદિરથી બહાર ગયા હતા. આ સમયે મનીષાબેન મંદિરમાં એકલા હતા. ત્યારે એક યુવક મનીષાબેન પાસે આવ્યો અને કહ્યું મેં નવી દુકાન લીધી છે મારે પૂજા કરવી છે. આ યુવકના હાથમાં એક થેલી હતી. મનીષાબેન કઈ સમજે તે પહેલાં આ યુવકે તેમને કહ્યું, મારી માનતા છે એટલે તમે 100 રૂપિયા રાખો અને તમે પહેરેલા દાગીના પડિકામાં મૂકીને તમારી પાસે રાખીલો અને અડધો કલાક બાદ આ દાગીના તમે લઈ લેજો. એમ કહીને ભેજાબજે મનીષાબેનના દાગીના પડિકામાં પેક કરાવી દીધા અને તેમને 100 રૂપિયા આપીને જતો રહ્યો હતો. મનીષાબેને પડિકામાં જોતા તેમના દાગીના ન હતા જેથી તેમને તાત્કાલિક પોલીસને જાણ કરીને આ અંગે ફરિયાદ નોંધાવી છે.