મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By

ગાંધીનગરના દહેગામનો બનાવઃ કાર ચાલકે ટક્કર મારતા શિક્ષિકા હવામાં ફંગોળાયા

ગુજરાતમાં બેફામ પણે વાહન હાંકનારા ગંભીર અકસ્માતો સર્જી રહ્યાં છે. જેના કારણે રસ્તા પરથી પસાર થતાં લોકોના જીવને ખતરો ઉભો થયો છે. ગાંધીનગરના દહેગામમાં ચાલતા જઈ રહેલા એક શિક્ષિકાને પુરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે શિક્ષિકા ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા હતાં. તેમને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.બીજી તરફ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 
 
કાર ચાલકે પાછળથી ટક્કર મારી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે દહેગામ કપડવંજ રોડ પર નિમિષાબેન ઘોસાળકર દહેગામ નહેરૂ ચોકડી નજીક આવેલ ગુરુકુળ એજ્યુકેશન નામના ટ્યુશન ક્લાસીસમાં શિક્ષક તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. 15 મી જુલાઈના રોજ નિમિષાબેન જ્યુપીટર લઈને ઘરેથી નિકળ્યા હતા તેમણે ટ્યુશન ક્લાસીસની સામેની બાજુ જ્યુપીટર પાર્ક કર્યું હતું. બાદમાં તેઓ રોડ ક્રોસ કરી ચાલતાં ચાલતાં ટ્યુશન ક્લાસીસ આગળ પહોંચ્યા હતા. આ દરમિયાન એક ફોરવ્હીલ ગાડીના ચાલકે પોતાની ગાડી કપડવંજ રોડથી દહેગામ નહેરુ ચોકડી તરફ પૂરઝડપે હંકારી નિમિષાબેનને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેનાં કારણે તેઓ હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા અને બેભાન થઈ ગયા હતા.
 
પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અકસ્માત સમયે ટયુશન ક્લાસના બે વિદ્યાર્થીઓ દોડી ગયા હતા અને શિક્ષિકાને તાત્કાલિક સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે દહેગામની મિશિકા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં એક્સ-રે, સીટીસ્કેન તેમજ સોનોગ્રાફી રિપૉર્ટ કરતા હાથે ખભાના ભાગે ફેક્ચર તથા માથામાં હેમરેજ હોવાનું નિદાન થયું હતું. આ સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ અંગે દહેગામ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.