ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને નલિયા કોર્ટમાં રજૂ કરાયો,પાકિસ્તાનથી 194 કરોડનું ડ્ર્ગ્સ મંગાવવાનો આરોપ
Gangster Lawrence Bishnoi - અમદાવાદઃ ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા ઉપરાંત સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી તેમજ ડ્રગ્સ-દારૂ-હથિયારોની હેરાફેરી સહિતના અસંખ્ય ગુનાઓમાં સંડોવાઈ ચૂકેલા ખૂંખાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને આજે નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.કચ્છના નલિયામાં 194 કરોડના ડ્રગ્સ મામલે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી મેળવવા માટે ગુજરાત એટીએસ દ્વારા કરાયેલી અરજી પટિયાલા કોર્ટે મંજૂર કરી હતી. જે બાદ લોરેન્સ બિશ્નોઈને તીહાડ જેલથી કચ્છ લાવવામાં આવ્યો હતો. લોરેન્સ બિશ્નોઇ પર પાકિસ્તાનથી 194 કરોડનું ડ્ર્ગ્સ મંગાવવાનો આરોપ છે.
ટ્રાન્ઝીટ રિમાન્ડની અરજી મંજૂર થતાં ગુજરાત લવાયો
ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવામાં કેસમાં પોલીસે અગાઉ 6 પાકિસ્તાની સહિત આઠ લોકોને પકડ્યા હતા. એટીએસ દ્વારા આ મામલે પટિયાલા હાઉસની એનઆઇએ કોર્ટમાં લોરેન્સ બિશ્નોઇની પૂછપરછ માટે અરજી કરવામાં આવી હતી. જેના આધારે પટિયાલા કોર્ટે બિશ્નોઇની કસ્ટડી સોંપવા માટે હુકમ કર્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટે ગુજરાત એટીએસની ટ્રાન્ઝીટ રિમાન્ડની અરજી મંજૂર કરતાં લોરેન્સને ગુજરાત લવાયો હતો.
લોરેન્સે સલમાન ખાનને ધમકી આપી હતી
લોરેન્સે શિવસેના નેતા સંજય રાઉત, વિવાદાસ્પદ અભિનેત્રી રાખી સાવંત સહિતનાને પણ તે ધમકાવી ચૂક્યો છે. હવે એટીએસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે ત્યારે કોર્ટ તેના કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરે છે તેના પર સમગ્ર ગુજરાતની મીટ મંડાયેલી છે. બીજી બાજુ બિશ્નોઈને નલિયા કોર્ટમાં લાવવામાં આવી રહ્યો હોવાનું ધ્યાન પર આવતાં જ મોટી સંખ્યામાં કોર્ટ બહાર લોકો એકઠા થઈ ગયા હતા જેને ધ્યાનમાં રાખી સ્થાનિક પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.