શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 ડિસેમ્બર 2020 (08:18 IST)

સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશનું સૌથી મોટું એક્વેરિયમ આકાર પામશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આધુનિક ગુજરાતનો વિકાસ સર્વસ્પર્શી અને સર્વ વ્યાપી બને તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા દ્રષ્ટિવંત આયોજનને ઝડપભેર આગળ ધપાવી રહ્યા છીએ. મુખ્યમંત્રી અમદાવાદમાં પ્રધાનમંત્રીની પ્રેરણાથી નિર્માણ પામેલી સાયન્સ સિટીના વિવિધ  પ્રકલ્પોની કામગીરીની સમીક્ષા અને નિરીક્ષણ મુલાકાતે રવિવારે આવ્યા હતા. મુખ્યમંત્રી એ કહ્યું કે, ગુજરાતનો વિકાસ વિરાસત અને આધુનિક વિજ્ઞાનના પાયા પર થઈ રહ્યો છે.
 
સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશનું સૌથી મોટું એક્વેરિયમ આકાર પામવા જઈ રહ્યું છે, તે આવનારા દિવસોમાં આગવું આકર્ષણ બનશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. ગુજરાત એજ્યુકેશન હબ બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તેથી જ આપણે નોલેજ કોરિડોર પણ વિકસાવી રહ્યા છીએ. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી કહ્યું કે સાયન્સ સિટીના અદ્યતન પ્રકલ્પોના માધ્યમથી  રાજ્યના બાળકો  વિજ્ઞાનની દુનિયામાં ગળાડૂબ બને તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગ દ્વારા આ દિશામાં થઈ રહેલી કામગીરીની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ ગ્લોબલ રોબોટિક ગેલેરી તેમજ દેશનું સૌથી મોટું એક્વેરિયમ પણ આકાર પામવા જઈ રહ્યું છે, જેને પગલે રાજ્યના બાળકો વિજ્ઞાનની દુનિયામાં ઓતપ્રોત થઈ શકશે. 
 
મુખ્યમંત્રીએ રોબોટિક ગેલેરીમાં રોબોઝીયમ, રિસર્ચ એન્ડ રેસ્કયૂમાં રોબોટિકની ભૂમિકા, મેડિકલ અને આરોગ્યક્ષેત્રમાં રોબોટિક પર્ફોર્મન્સને પ્રત્યક્ષ નિહાળ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં સર્વ દિશામાં વિકાસ કરાયો છે. તેમણે આ અવસરે બાલાસિનોરના ડાયનાસોર પાર્કના વિકાસની વિગતો પણ  આપી હતી.મુખ્યમંત્રી એ કહ્યું કે, રાજ્યના વિકાસના પાયામાં પર્યાવરણના જતનનો પણ ખ્યાલ રાખ્યો છે અને એટલે જ મોઢેરામાં સોલાર સિટીનું આયોજન હાથ ધર્યું છે.
 
મુખ્યમંત્રીવિજય રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું કે, રાજ્યની ભાવિ પેઢી વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે વિકાસ સાધી વિશ્વની બરોબરી કરવા સજજ બને તે માટે રાજ્યના દરેક  જિલ્લામાં વિજ્ઞાન કેન્દ્રો અને ચાર સ્થળો એ પ્રાદેશિક મ્યુઝીયમ  વિકસાવવામાં આવી રહ્યા છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાયન્સ સિટી ખાતે પ્રગતિમાં રહેલા કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ સાયન્સ સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ"અવર ફાઈટ્સ અગેઈન્સ્ટ કોવિડ-૧૯" પુસ્તિકા અંને સાયન્સ સીટીની માહિતી સાથેની પેનડ્રાઇવનું વિમોચન પણ કર્યું હતું.  થ્રી.ડી. પ્રિન્ટર દ્વારા તૈયાર થતી હ્યુમન રેપ્લિકાના મશીનની પણ તેમણે રૂબરૂ જાણકારી મેળવી હતી.
 
સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના સચિવ હરિત શુક્લાએ સાયન્સ સિટીમાં તૈયાર થઇ રહેલ અને પ્રગતિમાં રહેલ મ્યુઝિકલ ફાઉન્ટેન, નવા થિયેટર, પ્લેનેટ અર્થ વિભાગ, એનર્જી પાર્ક, લાઈફ સાયન્સ વિભાગ  અંગેની જાણકારી મુખ્યમંત્રીને આપી હતી.મુખ્યમંત્રીની આ મુલાકાત વેળાએ ગુજરાત સાયન્સ સીટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એસ. ડી. વોરા તથા અધિકારીઓ સાથે રહ્યા હતા.