રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 માર્ચ 2020 (17:57 IST)

ગોંડલમાં દારૂ ક્યાં મળે, જુગાર ક્યાં રમાય? અંગેના બેનરો સોશિયલ મીડિયામાં વાઈરલ

ગોંડલ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાનૂની પ્રવૃતિઓનો વ્યાપ ખૂબ વધ્યો હોય કોઈ જાગૃત નાગરિક દ્વારા પોલીસની આંખ ખોલવા બેનરો મૂકવામાં આવ્યા છે. દારૂ, જુગાર, વરલી, મટકા અને પાઉડરનો વેપાર કરતા તત્વોના નામ સરનામાનો બેનરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુંદાળા ચોકડી, જેલચોક, વોરા કોટડા રોડ સહિત વિવિધ વિસ્તારોમાં બોર્ડ બેનર મુકવામાં આવતા શહેરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. આ બોર્ડ બેનરો હાલ સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થયા બાદ ઉતારી લેવામાં આવ્યાં હતાં. સાથે બેનરને લઈને જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યાં છે.
રાજકોટથી 40 કિલોમીટર દૂર આવેલા ગોંડલમાં પોલીસની આંખો ખોલવા માટેના બેનર લગાવવામાં આવ્યા હતા. ગોંડલ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાનૂની પ્રવૃત્તિઓનો વ્યાપ મોટા પ્રમાણમાં વધ્યો છે. જેના કારણે જાગૃત નાગરિક દ્વારા ગોંડલમાં જુદા જુદા ચોકમાં બેનર લગાવવામાં આવ્યા હતા. જેમાં ગોરખ પ્રવૃત્તિઓ ચાલતી 19 જેટલી જગ્યાના સરનામા આપવામાં આવ્યા હતા.જે સરનામા પર કયા પ્રકારના ગોરખધંધા થાય છે, કયા પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે તેનું અક્ષરશઃ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગોંડલમાં દારૂ-જુગાર વરલી મટકા તેમજ પાવડરનો વેપાર કોણ કોણ કરે છે તેમના નામ સરનામા સહિતનો ઉલ્લેખ આ બેનરમાં કરવામાં આવ્યો છે.આ બેનરો ગુંદાળા ચોકડી, વોરાકોટડા રોડ, જેલ ચોકમાં લગાવવામાં આવતા શહેરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
આ સમગ્ર મામલે રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, જે સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ થયું છે તે પોસ્ટર મારા સુધી પહોંચ્યું છે.પોસ્ટરમાં જે નામ અને સરનામાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં કેટલી તથ્યતા છે તે અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. જેની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી રહી છે. જે મુજબ પોસ્ટરમાં ૧૯ જેટલી જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે પૈકી એક પણ જગ્યાએ જે તે પ્રકારની હકીકત મળી આવશે તો જવાબદારો વિરુદ્ધ ચોક્કસ પગલાં લેવામાં આવશે.સ્થળ તપાસ કરતા કોઈ હાલ ગેરપ્રવૃત્તિ જોવા મળી ન હતી છતાં પોલીસ તપાસ કરશે.