મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 ઑગસ્ટ 2020 (11:39 IST)

ગુજરાતના 5 મહાનગરમાં 70 થી વધુ માળની બિલ્ડિંગ બનાવવાની મંજુરી

રાજ્યના પાંચ મહાનગરોમાં 70થી વધુ માળની ઇમારતો બનાવી શકાશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં મંજૂરી આપવામાં આવશે. આવી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી અપાશે. રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ ગગનચૂંબી ઇમારતો બનશે. રાજ્યમાં હાલ પ્રવર્તમાન નિયમો મુજબ વધુમાં વધુ 22-23  માળની ઇમારતોને જ મંજૂરી મળે છે. 100 મીટરથી વધુ ઊંચાઇની ઇમારતોને લાગુ થશે આ જોગવાઇ. 
 
મુખ્યમંત્રીએ રાજ્યમાં ઊંચી ઇમારતો, ટોલ બિલ્ડીંગ્સ માટેના જે નિયમો મંજૂર કર્યા છે. તેમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓ રાખવામાં આવી છે. ટોલ બિલ્ડીંગની આ જોગવાઇ 100 મીટરથી વધુ ઊંચાઇના બિલ્ડીંગ્સને લાગુ થશે. તેમજ બિલ્ડીંગનો આસ્પેક્ટ રેશીયો (લઘુત્તમ પહોળાઇ: ઊંચાઇ) 1:9 કે વધુ હોય તેને લાગુ થશે.
 
બિલ્ડીંગની આ જોગવાઇ 100 મીટરથી વધુ ઊંચાઇના બિલ્ડીંગ્સને લાગુ થશે. તેમજ બિલ્ડીંગનો આસ્પેક્ટ રેશીયો (લઘુત્તમ પહોળાઇ : ઊંચાઇ) 1:9 કે વધુ હોય તેને લાગુ થશે. વધુમાં આ જોગવાઇ D1 કેટેગરીમાં AUDA/SUDA/VUDA/RUDA અને GUDA માં એવા વિસ્તારમાં લાગુ થશે, જ્યાં હાલ CGDCR મુજબ બેઈઝ FSI 1.2 કે તેથી વધારે મળવાપાત્ર છે. આ પ્રકારના બિલ્ડીંગ્સની ચકાસણી માટે સ્પેશયલ ટેકનીકલ કમિટીની રચના થશે.
 
સત્તામંડળમાં અરજી કર્યા બાદ સ્પેશ્યલ ટેકનીકલ કમીટી (STC) દ્વારા ચકાસણી અને મંજૂરી માટે ભલામણ કરાશે. 30 મીટર પહોળાઇના કે તેથી વધુ પહોળાઇના ડી.પી., ટી.પી.ના રસ્તા પર મળવાપાત્ર થશે. 100થી 150મીટર ઉંચાઇ માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ 2500 ચો.મીટર. 150 મીટરથી વધુ ઉંચાઇ માટે લધુત્તમ પ્લોટ સાઇઝ 3500 ચો.મીટરની જોગવાઈ કરવામાં આવશે.
 
મહત્તમ FSI 5.4 મળવાપાત્ર થશે. જેમાં જે-તે ઝોનની બેઇઝ FSI ફ્રી FSI તરીકે તથા બાકીની FSI પ્રિમીયમ- ચાર્જેબલ FSI તરીકે મળશે. તેમાં પ્રિમીયમ FSIનો ચાર્જ 50 ટકા જંત્રીનો દર ખૂલ્લા બિનખેતીના પ્લોટનો જંત્રીદર ગણાશે. હેણાંક / વાણિજ્યક / રીક્રીએશન અથવા આ ત્રણેયનો ગમે તે મુજબ મીક્સ યુઝ / વપરાશ મળવાપાત્ર થશે.
 
પાર્કિંગમાં ઇલેક્ટ્રીક ચાર્જીંગની ફેસીલીટી ફરજીયાત રાખવાની રહેશે. વીન્ડ ટનલ ટેસ્ટ ફરજીયાત રહેશે તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાના રહેશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, અમદાવાદ સહિત રાજ્યના આર્થિક પાટનગર સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર શહેરોનો વિકાસ અને જીડીપીમાં સિંહફાળો છે. એટલું જ નહિ, શહેરી વિસ્તારમાં રોજગારીની તકો વધુ હોવાથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર તેમજ કુદરતી વિકાસના કારણે મકાનોની માંગ દિન પ્રતિદિન વધે છે, તેથી જમીનોની કિંમત પણ ઘણી વધી જાય છે.
 
શહેરના આયોજિત વિસ્તારની સર્વિસ લેન્ડનો મહત્તમ ઉપયોગ થઇ શકે અને વધુ લોકોનો સમાવેશ કરી શકાય તે માટે વર્ટીકલ ડેવલપમેન્ટ જરૂરી છે. જમીનોની કિંમત ઓછી થાય અને મકાનો સસ્તા થતાં સામાન્ય માનવીને પરવડે તેવા એફોર્ડેબલ મકાનો મળી શકે. આવા વિકાસલક્ષી અભિગમથી મુખ્યમંત્રીએ ટોલ બિલ્ડીંગ-ગગનચૂંબી ઇમારતોના નિર્માણ માટે મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરેલો છે.