રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 જૂન 2017 (14:49 IST)

ગુજરાતમાં ગ્રીનહાઉસ ખેતી કરતાં એક હજારથી વધુ ખેડૂતો દેવાદાર થયાં.

ગુજરાતમાં ભૌગોલિક પરિસ્થિતીને અનુકુળ ન હોવા છતાંયે લાખોના ખર્ચે ઉભા કરાયેલાં ગ્રીનહાઉસ આજે ખેડૂતોને માથે પડયાં છે. ઓછી જમીનમાં મબલખ પાક લેવાના સ્વપ્ન દેખાડી ઉભા કરાયેલાં ગ્રીનહાઉસને લીધે એક હજારથી વધુ ખેડૂતો દેવાદાર બન્યાં છે. વિદેશની નકલ કરીને ગુજરાતને હરિયાળુ બનાવવાની હોડમાં ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. કૃષિમેળા વખતે મોટાઉપાડે કરાયેલી લોભામણી જાહેરાતોમાં ખેડૂતો એવા ભરમાયાં કે, આજે માથે હાથ દઇને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતો કહે છેકે, બિનસિઝનમાં વધુ પાક મેળવવા કેટલાંય ખેડૂતોએ મોર્ડન ખેતી કરવા નક્કી કર્યું હતું . ગ્રીનહાઉસમાં રૃા.૧૦ લાખ મૂડી નાંખી રૃા.૩૫ લાખની બેંક લોન મેળવીને આખોય પ્રોજેક્ટ શરૃ કર્યો પણ ભૌગોલિક પરિસ્થિતી અનુકુળ ન હોવાથી પાક ઉત્પાદન થઇ શક્યુ નહી. ખુદ બાગાયત વિભાગે પણ પાકના રોગ, ખાતર, ટિસ્યુકલ્ચર સહિતની જાણકારી આપી નહી. એક એકર જમીનના પ્રોજેક્ટમાં ૧૦૦ એકર જમીનમાં ૭-૧૨ના ઉતારામાં બોજો નાંખી દેવાય છે. પાકના વેચાણ માટે માર્કેટમાં વ્યવસ્થા કરાઇ નહીં.અપુરતા પાણી-વિજળીને લીધે ગ્રીન હાઉસમાં ખેતી નિષ્ફળ રહી છે. આખાયે ગુજરાતમાં એક જ ડિઝાઇનના ગ્રીનહાઉસ બનાવી દેવાયાં જે પાકને અનુકુળ આવી શક્યા નહી. આ કારણોસર ગ્રીનહાઉસની મોર્ડન ખેતી સંપૂર્ણ નિષ્ફળ રહી જેના લીધે એક હજારથી વધુ મોર્ડન ખેડૂતોની એવી સ્થિતી થઇ કે, આજે બેંકનો એક હપ્તો ભરવામાં યે ફાંફા પડી રહ્યાં છે. ગુજરાતમાં આજે ૨૨૮૦ ગ્રીનહાઉસ છે. ગ્રીનહાઉસ ધરાવતાં ખેડૂતોએ અનેકવાર સરકારમાં રજૂઆતો કરી પણ હવે સરકાર સાંભળતી નથી. મહત્વની વાત તો એછેકે, સરકાર હજુ એ નક્કી કરી શકી નથી કે, ગ્રીન હાઉસને એગ્રીકલ્ચરમાં સમાવેશ કરવો કે, પછી એગ્રી ઇન્ડસ્ટ્રીઝમાં . આમ, ભાજપ સરકારની મોર્ડન ખેતીની લોભામણી જાહેરાતો ખેડૂતોને ભારે પડી છે.