રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 મે 2020 (13:57 IST)

ગુજરાતમાં રેલવે સ્ટેશનો પર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરાયા

રેલવે મંત્રી પિયુષ ગોયેલ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે આગામી 1 જૂનથી 200 જેટલી ટ્રેન દોડતી થશે. જેને લઈને અલગ અલગ રેલવે સ્ટેશનો પર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ રેલવે દ્વારા પણ આજથી એક રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદ ડિવિઝન હેઠળ આવતા સાત રેલવે સ્ટેશનો પર રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરી દેવામાં આવ્યા છે. તમામ જગ્યાએ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તેવી રીતે કાઉન્ટરની શરૂઆત કરવામાં આવી છે. રિઝર્વેશન કાઉન્ટર સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. જ્યારે રવિવારના દિવસે સવારે 8 થી 2 વાગ્યા સુધી રિઝર્વેશન કાઉન્ટર કાર્યરત રહેશે. આ કાઉન્ટર પરથી રેલવે દ્વારા જાહેર કરાયેલી ટ્રેનોની જ ટિકિટ મળશે. રેલવે વિભાગ દ્વારા નક્કી કરાયેલા શરતો મુજબ કન્ફર્મ ટિકિટ જ મળશે.જોકે, અગાઉની કોઈ પણ ટિકિટનું રિફંડ હાલ આ કાઉન્ટર પરથી નહીં આપવામાં આવે. રિફંડ માટે રેલવે વિભાગ દ્વારા નવી જાહેરાત કરવામાં આવશે. રાજકોટ રેલવે વિભાગની અંદર આવતા અન્ય કોઈ સ્ટેશન પર હાલ ટિકિટ કાઉન્ટર શરૂ થયું નથી. ફક્ત રાજકોટ જંકશન પર આવેલા કાઉન્ટર પરથી જ કન્ફર્મ ટિકિટ મળશે. ઉલ્લેખનીય છે કે જે રીતે સરકાર દ્વારા અવરજવરની છૂટછાટ આપવામાં આવી છે ત્યાર બાદ બસ અને રેલવે તેમજ હવાઈ સેવાને પણ તબક્કાવાર શરૂ કરવામાં આવી છે. રાજકોટ રેલવે સ્ટેશન પર રિઝર્વેશન કાઉન્ટર પર રાઉન્ડ કરી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.બીજી તરફ અમદાવાદ રેલવે ડિવિઝન હેઠળ આવતા સાત સ્ટેશન પર રેલવે રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના કાલુપુર ખાતે બે કાઉન્ટર શરૂ કરવામાં અવ્યા છે. જ્યારે સાબરમતી સ્ટેશન ખાતે એક, વિરમગામ ખાતે એક, ગાંધીધામમાં એક, ભુજમાં એક, મહેસાણામાં એક અને પાલનપુર ખાતે એક કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે.