શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 જૂન 2018 (12:16 IST)

તલાટી કમ મંત્રી પ્રભુજી રત્નાજી નીનામાએ ગળેફાંસો ખાઈને મોત મીઠુ કરી લીધુ

બદલી માટે દોઢ લાખ રૂપિયા આપવા છતાં નિરાશા સાંપડતાં તલાટીએે ગળાફાંસો ખાધો
ગુજરાતમાં ભાજપનાં રાજમાં ભ્રષ્ટાચાર ફૂલી ફાલી રહ્યો છે. જેમાં ખૂદ સરકારનાં જ એક કર્મચારીનો ભોગ લેવાયો છે. થાનગઢ તાલુકા પંચાયતમાં સારસાણાં ગુ્રપનાં તલાટીએ દોઢ લાખ આપ્યા છતાં બદલી નહીં થતાં તેમણે ચોટીલા સ્થિત નિવાસ સ્થાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી મૂજબ ચોટીલાનાં ખૂશીનગરમાં રહેતા તલાટી કમ મંત્રી પ્રભુજી રત્નાજી નીનામાએ તેમનાં રહેણાંક મકાનમાં જ લૂંગી વડે ગળેફાંસો ખાઈને મોત મીઠુ કરી લીધુ હતું. બનાવ બન્યો ત્યારે પ્રભૂજી ઘરે એકલા હતાં અને તેમનાં પરિવારજનો વતનમાં હતાં. છેલ્લા બે દિવસથી પ્રભૂજીનો ફોન ઉપર સંપર્ક થતો ન હોવાથી તેમનાં કૌટુંબિક ભાઈ ચોટીલા આવ્યા હતાં અને નિવાસસ્થાને જતાં ઘરનો દરવાજો ખૂલ્લો હતો. અંદર જતાં પ્રભુજી ગળે ફાંસો ખાધેલી મૃત હાલતમાં મળી આવ્યા હતાં. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પી.એમ. માટે ખસેડયો હતો. બાદમાં મૃતદેહ પરિવારજનોને સોંપી અગમ્ય કારણોસર આત્મહત્યા અંગે એ.ડી. દાખલ કરી આપઘાત પાછળનાં  કારણ અંગે તપાસ શરૃ કરી છે. મૃતકે સુરેન્દ્રનગરથી અરવલ્લી આંતરજિલ્લા બદલી માટે ખાતાકીય અરજી કરી હતી. જે પાસ કરાવવા તમામ ટેબલે નાણાંકીય વહીવટ કર્યો હતો. અંદાજે દોઢ લાખનાં વહીવટ  બાદ પણ બદલી નહીં થતાં આર્થિક ભીંસમાં આવી ગયેલા પ્રભુજીએ ચિંતામાં ને ચિંતામાં અંતિમ પગલું ભરી લીધું હતું. સીધા, સાદા, સરળ કર્મચારી પાસે તોડ કરનારા તત્વો સામે સાથી કર્મચારીઓમાં પણ રોષની લાગણી ફરી વળી છે. દરમ્યાન તપાસનીશ  પોલીસ અધિકારી કેતનભાઈ ચાવડાનાં જણાવ્યા મુજબ બનાવ પાછળ બદલી પ્રકરણ કારણભૂત હોવાની પ્રાથમિક માહિતી અમને પણ મળી છે. મૃતકનાં પરિવારજનોનાં નિવેદન  બાદ જો આપઘાત પાછળ આ કારણ જવાબદાર નિકળશે તો લાગતા વળગતા તમામ સામે ગૂનો દાખલ કરી પગલાં લેવાશે. અમારી તપાસ એ જ દિશામાં આગળ વધી રહી છે. હાલ તો ચોટીલા તપાસ માટે આવેલા તેમનાં કૌટુંબિકભાઈ રમેશભાઈ નિનામાએ કરેલી જાણ મૂજબ  પ્રાથમિક એ.ડી. દાખલ કરી તપાસ શરૂ કરી છે.