સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 જૂન 2018 (11:26 IST)

વિદ્યાર્થીઓને બોર્ડના પરિણામ પર વિશ્વાસ નથી? ધો.૧૨ સાયન્સમાં ઉત્તરવહી અવલોકન માટે હજારો અરજી થઈ

ગુજરાત શિક્ષણ બોર્ડના પરિણામ પર વિદ્યાર્થીઓને વિશ્વાસ ન હોઈ આ વર્ષે ધો.૧૨ સાયન્સના પરિણામ અધધ કહી શકાય તેટલા ૧૧ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઉત્તરવહી અવલોકન માટે અરજી કરી છે.બોર્ડનું કહેવુ છે કે સેમેસ્ટર સીસ્ટમ દૂર થયા બાદ આ વર્ષે વાર્ષિક પરીક્ષા પ્રમાણેનું પરિણામ હોવાથી વિદ્યાર્થી વધ્યા છે.પરંતુ આ વર્ષે વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં અરજી કરતા તેની અસર ડિગ્રી ઈજનેરીના પ્રવેશ પર પડે તેમ છે કારણકે જો ઉત્તરવહી અવલોકનમાં પરિણામમાં ફેરફાર થાય તો ડિગ્રી ઈજનેરીમાં મેરિટ સુધારવુ પડે અને પ્રવેશ પ્રક્રિયાના કાર્યક્રમમાં પણ મુદ્દત વધારી ફેરફાર કરવો પડે તેમ છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ કોમર્સમાં પરિણામ બાદ જો વિદ્યાર્થીઓને પરિણામથી સંતોષ ન હોય કે વાંધો હોય તો રીચેકિંગની તક અપાય છે જ્યારે માત્ર ધો.૧૨ સાયન્સમાં જ રૃબરૃ ઉત્તરવહી અવલોકનની તક અપાય છે.જેમા વિદ્યાર્થી-વાલીને રૃબરૃ બોલાવી ઉત્તરવહી બતાવાય છે.અત્યાર સુધી એક હજારથી ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉત્તરવહી અવલોકન માટે અરજી કરતા હતા પરંતુ આ વર્ષે પ્રથમવાર ધો.૧૨ સાયન્સના ૧૦,૮૦૦થી વધુ વિદ્યાર્થીએ ઉત્તરવહી અવલોકન માટે અરજી કરી છે.જેને લઈને બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ પણ મુંઝવણમાં મુકાયા છે અને મુશ્કેલીમાં મુકાયા છે કારણકે આટલા બધા વિદ્યાર્થીઓ હોવાથી વિષયદીઠથી લઈને વધુમા વધુ ત્રણ વિષય સુધી વિદ્યાર્થી માટે ઉત્તરવહી કાઢતા ૩૩ હજારથી વધુ ઉત્તરવહીઓ બંડલોમાંથી કાઢવી પડી છે અને સ્ક્રુટીની કરીને હવે અવલોકન શરૃ કરવુ પડયુ છે. મહત્વનું છે કે આટલા બધા વિદ્યાર્થીઓ વધતા તેની અસર ડિગ્રી ઈજનેરીના પ્રવેશ પર પણ પડી છે.કારણકે ડિગ્રી ઈજનેરીની પ્રવેશ પ્રક્રિયામાં ફાઈનલ મેરિટ પણ જાહેર થઈ ગયુ છે અને મોક રાઉન્ડ પણ પુરો થયો છે.હવે આવતીકાલે ૨૨મીથી પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ શરૃ થનાર છે અને ઉત્તરવહી અવલોકનનું પરિણામ આવશે ત્યાં સુધીમાં તો ચોઈસ ફિલિંગ પુરુ થઈ જશે અને કદાચ એલોટમેન્ટ પણ થઈ જશે.જેથી જો ઉત્તરવહી અવલોકનમાં ૧થી૨ ટકા વિદ્યાર્થીઓના પણ માર્કસ સુધરે તો તો ડિગ્રી ઈજનેરીના મેરિટમાં ફેરફાર કરવો પડે.ઉપરાંત વિદ્યાર્થીઓને સુધરેલા કે વધેલા-ઘટેલા માર્કસ પ્રમાણે ફાઈનલ ચોઈસ ફિલિંગની તક આપવી પડે.આમ ડિગ્રી ઈજનેરીમાં ચોઈસ ફિલિંગની મુદ્દત વધારવી પડે તેમ છે અને પ્રવેશ પ્રક્રિયામાં ફરીએકવાર ફેરફાર કરવો પડે તેમ છે.આ વર્ષે ઉત્તરવહી અવલોકનમાં વિલંબ થવા અંગે શિક્ષણ બોર્ડના અધિકારીનું કહેવુ છે કે અત્યાર સુધી સેમેસ્ટર સીસ્ટમ હોવાથી વિદ્યાર્થીઓને પરિણામથી સંતોષ હતો અને ખૂબ ઓછી અરજીઓ થતી હતી પરંતુ આ વર્ષે વાર્ષિક પેટર્ન હોવાથી પરિણામથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી છે અને જેમાં વાર લાગી છે.