1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 જાન્યુઆરી 2021 (10:10 IST)

ગુજરાતમાં 17.57 લાખથી વધુ પરિવારોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડી શકાયું નથી

ગુજરાતના 92 લાખથી વધુ પરિવારોમાંથી 75.35 લાખ પરિવારોને નળ વડે ચોખ્ખુ પાણી પુરૂં પાડવામાં આવી રહ્યું છે. જળ જીવન મિશનનો પ્રારંભ થયો તે સમયે ગુજરાતમાં 65.16 લાખ પરિવારો પાસે જ ચોખ્ખા પાણીનું નળનું કનેક્શન હતુ અને આ મિશન અંતર્ગત 10.18 લાખ પરિવારોને નળ વડે ચોખ્ખુ પાણી મળી રહે તેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આમ છતાં હજુ પણ 17.57 લાખ પરિવારોને પીવાનું ચોખ્ખું પાણી મેળવવા માટે અન્ય સ્રોત પર આધાર રાખવો પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં વસતાં પરિવારોને  સ્વચ્છ અને પીવાલાયક પાણી તેમના ઘરના નળમાંથી મળી રહે તે માટેની મહત્વકાંક્ષી યોજન જળ જીવન મિશને લોન્ચ થયે 16 મહિનાથી વધુનો સમય થઈ ચૂક્યો છે. જોકે, આ મિશનના અમલીકરણ માટે ગુજરાત સરકાર સાવ ઉદાસીન હોય તેવું આંકડાઓ કહી રહ્યા છે. ગત વર્ષે 15મી ઓગસ્ટે લોન્ચ થયેલા મિશન અંતર્ગત આજે 16 મહિનાના અંતે ગુજરાતમાં માત્ર 10.96 ટકા જ કામગીરી પૂર્ણ થઈ શકી છે. વિકાસના મોડલ સમા ગુજરાતમાં આજે પણ 17.57 લાખથી વધુ પરિવારો એવા છે કે, જેમના સુધી નળ વડે પેયજળ પહોંચાડી શકાયું નથી.2019ના સ્વતંત્રતા દિને લોન્ચ થયેલા મિશન અંતર્ગત ગુજરાતમાં 10,18,424 જેટલા પેય જળના જોડાણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જોકે, રસપ્રદ આંકડા એ છે કે, આ જ સમયગાળા દરમિયાન બિહાર સરકારે આ મિશનમાં અસરકારક કામગીરી કરતાં 1.15 કરોડ પરિવારોને નળ વડે પેય જળ પહોંચાડી દીધું હતુ. મહારાષ્ટ્ર સરકારે પણ 32 લાખથી વધુ ઘરોમાં આ મિશન થકી નળ વડે પેય જળ પહોંચાડયું છે. સરકાર વિવિધ કાર્યક્રમો કરીને લોકોને પુરા પાડેલી પીવાના પાણી અંગેના કાર્યોનો પ્રચાર-પ્રસાર કરી રહી છે, ત્યારે જ કેન્દ્રની જલ જીવન મિશનની વેબ પોર્ટલ પર પ્રકાશિત કરવામાં આંકડામાં ગુજરાતની નબળી કામગીરીનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે. મિશનના લોન્ચિંગ બાદ તેના અમલીકરણમાં તેલંગણા સૌથી આગળ રહ્યું છે, જ્યાં 69.80 ટકા જેટલા પરિવારોને નળના કનેક્શન વડે પેયજળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ પછી બીજા સ્થાને બિહાર 57.77 ટકા સાથે છે. જ્યારે ગુજરાત છેક 15માં સ્થાને છે. કોંગ્રેસ શાસિત રાજ્ય પંજાબ સહિત જમ્મુ-કાશ્મીર, ત્રિપુરા અને મિઝોરમ જેવા રાજ્યો પણ આ મિશનને અમલમાં મૂકવામાં ગુજરાત કરતાં આગળ સ્થાન ધરાવે છે.