હવેથી ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ પાસેથી પસાર થતી વખતે હોર્ન વગાડી શકાશે નહીં
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું 31મી ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું હતું. હવે વિશ્વ કક્ષાની પ્રતિમા હોવાથી ત્યાં દેશ વિદેશના પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રતિમા અને તેની આસપાસના વિસ્તારની સુંદરતા જળવાઈ રહે તે માટે તંત્રએ પહેલેથી જ લારી-ગલ્લાઓ હટાવી દીધા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર રાત્રે 7થી 8 લેસર શોનું પણ આયોજન કરાયું છે. આ શો દરમિયાન વાહનોના વાગતા હોર્નને લીધે પ્રવાસીઓને વિક્ષેપ પડતો હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે. જેથી નર્મદા જિલ્લા કલેકટરે કેવડિયાના શ્રેષ્ઠ ભારત ભવનથી જંગલ સફારી વિસ્તારને સાયલન્ટ ઝોન જાહેર કર્યો છે.આ વિસ્તારમાં રાત્રે 7 વાગ્યાથી 8 વાગ્યાના 1 કલાક દરમિયાન લેસર શો ચાલશે. તે દરમિયાન કોઈપણ વાહન ચાલક જો હોર્ન વગાડશે તો તેની સામે પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે. આ જાહેરનામા બાબતે નર્મદા કલેક્ટરે પી.એસ.આઈ સહિત પી.આઈ કક્ષાના ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવા માટે અધિકૃત કર્યા છે. જેથી હવે પછી કોઈ પણ વ્યક્તિ આ વિસ્તારમાં હોર્ન વગાડી શકશે નહીં.