બુધવાર, 11 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 29 જુલાઈ 2022 (18:07 IST)

'હર ઘર તિરંગા' અભિયાન અંતગર્ત ગુજરાતના 1 કરોડ ઘર ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવવાનું આયોજન

દેશમાં 20 કરોડથી વધુ ઘરો અને 100 કરોડથી વધુ લોકો ત્રણ દિવસ સુધી પોતાના ઘરે તિરંગો લહેરાવશે
 
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાન સાથે સંબંધિત વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, લેફ્ટનન્ટ ગવર્નર્સ અને વહીવટકર્તાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડી પણ ઉપસ્થિત રહ્યા હતા.
 
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદીનો અમૃત મહોત્સવ દેશના દરેક નાગરિક માટે ગૌરવની બાબત છે અને આઝાદીનાં ૭૫ વર્ષમાં આપણા દેશે લોકશાહીનાં મૂળિયાને વધુ ઊંડા બનાવ્યાં છે એટલું જ નહીં, આપણે વિકાસનાં દરેક પાસાની દ્રષ્ટિએ વિશ્વમાં એક યોગ્ય સ્થાન પર ઊભા છીએ. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવને નવી રીતે ઉજવવાનો સંકલ્પ કર્યો છે અને તેના ત્રણ ઉદ્દેશ્ય છે. 
 
સૌ પ્રથમ, જેમણે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું એમનાં અને એમનાં બલિદાન વિશે માહિતી આપીને દેશભક્તિનાં સંસ્કારો જગાવવાં. બીજું, 75 વર્ષમાં આપણે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે અને અનેક ક્ષેત્રોમાં ભારત આજે વિશ્વમાં ટોચનું સ્થાન ધરાવે છે, આ વર્ષ એ સિદ્ધિઓનું મહિમાગાન કરવાનું વર્ષ છે. ત્રીજું, આ સંકલ્પનું વર્ષ છે. દેશના પ્રધાનમંત્રીએ આઝાદીના અમૃત મહોત્સવથી લઈને આઝાદીની શતાબ્દી સુધીનાં 25 વર્ષના સમયગાળાને અમૃત કાલ તરીકે ઉજવવાનું આહવાન કર્યું છે. અમૃત કાળમાં દેશના દરેક ક્ષેત્રમાં આઝાદીની શતાબ્દી દરમિયાન આપણે ક્યાં ઉભા રહીશું, આ 25 વર્ષ સંકલ્પ સિદ્ધિનો સમય છે.
 
અમિત શાહે જણાવ્યું હતું કે, 'હર ઘર તિરંગા' એ દેશપ્રેમની ભાવનાને દેશના દરેક નાગરિકના દિલોદિમાગમાં ઉચ્ચતમ સ્તર સુધી લઈ જવાનો કાર્યક્રમ છે. દેશમાં 20 કરોડથી વધુ ઘરો અને 100 કરોડથી વધુ લોકો ત્રણ દિવસ સુધી પોતાના ઘરે તિરંગો ફરકાવશે અને તિરંગાનાં માધ્યમથી ભારત માતાની સેવામાં ફરી પોતાને સમર્પિત કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ માહિતી આપી હતી કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ 13 થી 15 ઑગસ્ટ, 2022 દરમિયાન જનભાગીદારી દ્વારા તમામ ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો છે. 
 
આ પ્રયાસમાં દેશની સરકારી અને ખાનગી સંસ્થાઓ પણ સામેલ થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તિરંગો ફરકાવવાથી દેશ પ્રત્યેની દેશભક્તિની ભાવના વધુ મજબૂત બનશે અને તેનાથી દેશના બાળકો અને યુવાનો દેશની આઝાદી માટે અસંખ્ય શહીદોએ આપેલા બલિદાનથી વાકેફ થાય તે પણ સુનિશ્ચિત થશે. આ ઘટના વિશ્વની પ્રથમ એવી ઘટના હશે કે જે કોઈ પણ દેશે ક્યારેય તેની સ્વતંત્રતા અથવા અન્ય કોઈ દિવસની ઉજવણી કરવા માટે કદી મનાવી ન હોય. 
 
આ કાર્યક્રમની સફળતા માત્ર વિચાર કે આહ્વાનથી થઈ શકે તેમ નથી, માત્ર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને પ્રજાની ભાગીદારીથી આપણે તેને જન-જન સુધી પહોંચાડવાનું કામ કરી શકીશું, તો જ આ કાર્યક્રમ અને તેનો હેતુ પણ સફળ થશે. 20 કરોડ તિરંગા દરેક ઘરમાં લહેરાવવો એ એક ભગીરથ કાર્ય છે અને દેશમાં દેશભક્તિની નવી ભાવના જગાડવામાં આ કાર્યક્રમનું મોટું યોગદાન રહેશે.
 
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આ કાર્યક્રમના ત્રણ વર્ટિકલ્સ છે. સૌ પ્રથમ, પ્રચાર-પ્રસાર માધ્યમ દ્વારા તમામ લોકોને તેની સાથે જોડવા અને તેને જન-જન સુધી પહોંચાડવું. બીજું, ઉત્પાદન અને ત્રીજું, ઘરે ઘરે ધ્વજ લગાવવો. કેન્દ્ર, રાજ્ય સરકારો, જિલ્લા પંચાયતો, મહાનગરપાલિકા, પંચાયતો અને વ્યક્તિઓએ આ ત્રણ વર્ટિકલ્સ માટે કામ કરવાનું રહેશે. આ વર્ષે 22 જુલાઈથી જો આપણે બધા પોત-પોતાનાં હોમ પેજ પર, દરેક રાજ્યની દરેક વેબ સાઇટ અને દેશની દરેક વ્યક્તિ પોતાનાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટનાં હોમ પેજ પર તિરંગો લગાવી દેશે તો તેનો પ્રચાર-પ્રસાર આપોઆપ થઈ જશે.
 
અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રભાત ફેરી મહાત્મા ગાંધીની આઝાદીની લડતમાં અતિ મહત્ત્વપૂર્ણ ભાગ હતો અને 11થી 14 ઑગસ્ટ દરમિયાન દરેક ગામમાં પ્રભાત ફેરી કાર્યક્રમની ઉજવણીમાં તમામ રાજકીય પક્ષો, સરકારી સંસ્થાઓ, એનજીઓ, સહકારી સંસ્થાઓએ યોગદાન આપવું જોઈએ. પ્રભાત ફેરીએ જ સ્વદેશી, ભારત છોડો આંદોલન અને સવિનય કાનૂનભંગની ચળવળને ઘેર-ઘેર લઈ જવાનું કામ કર્યું હતું. જ્યારે બાળકો, વૃદ્ધો, યુવાનો અને કિશોરો સાથે મળીને હાથમાં તિરંગો લઈને એક કલાક સુધી ગામમાં પ્રભાત ફેરી કાઢશે ભારત માતાનાં ગુણગાન ગાશે, ત્યારે આપણો ત્રિરંગો લગાવવાનો કાર્યક્રમ આપોઆપ થઈ જશે.
 
અમિત શાહે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારોની તમામ જાહેરાતોમાં 'હર ઘર તિરંગા'નો પ્રચાર કરવામાં આવે, રાજ્યોના મુખ્યમંત્રીઓ જો ટીવી ચેનલો અને સ્થાનિક ચેનલોને વિનંતી કરશે તો તેઓ પણ નાના કાર્યક્રમો કરીને તેને આગળ ધપાવે. ગામની સહકારી મંડળીઓ અને પીએસયુ દ્વારા પણ તેનો પ્રચાર થવો જોઈએ. દરેક વ્યક્તિ આ કાર્યક્રમ સાથે જોડાઇ જાય એ માટે આપણે પ્રચારનાં તમામ માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ.
 
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે બીજું વર્ટિકલ છે ઉત્પાદન. આ માટે ભારત સરકારે ઘણી બધી વ્યવસ્થા કરી છે. ભારત સરકારે દેશની પોસ્ટ ઓફિસમાં ત્રણેય પ્રકારના ઝંડા ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરી છે. તમે પોસ્ટ ઓફિસથી પણ તમારો ઓર્ડર બુક કરાવી શકો છો, ત્યાંથી દરેક નાગરિક જઈને ધ્વજ ખરીદી શકે છે અને ઓનલાઇન ખરીદીની પણ વ્યવસ્થા છે. 
 
રાજ્ય સરકારો માટે જીઇએમ પર ત્રણેય પ્રકારના ધ્વજ ઉપલબ્ધ છે. ભારત સરકારે રાજ્યોને ઉત્પાદનમાં મદદ કરવા માટે પૂરતી વ્યવસ્થા કરી છે અને નાગરિકોમાં તેનો પ્રચાર કરીને, તેઓ આપમેળે જ ઓનલાઇન ધ્વજ મગાવી શકે છે. રાજ્યોના તમામ પીએસયુ, રાજ્યોના તમામ કર્મચારીઓ, સહકારી મંડળીના તમામ કર્મચારીઓ, તમામ સભ્યો, જો તેઓ આ આંદોલન સાથે જોડાય છે, તો આપણે ખૂબ જ સરળતાથી 20 કરોડનાં લક્ષ્યને પ્રાપ્ત કરી શકીશું.
 
તેમણે જણાવ્યું હતું કે, દેશની યુવા પેઢીને દેશપ્રેમની ભાવનાથી ઓતપ્રોત કરવાની અને દેશનાં બાળકો, તરુણો અને યુવાનોને આગામી ઘણાં વર્ષો સુધી દેશના વિકાસ, સુરક્ષા અને ભવિષ્ય સાથે જોડવાનાં સંસ્કાર આપવાની જવાબદારી આપણા સૌની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવનાં માધ્યમથી તેને આગળ વધારવાનું કામ કર્યું છે. અમૃત મહોત્સવના કાર્યક્રમો 15 ઑગસ્ટ 2023 સુધી ચાલવાના હોવાથી આ ખૂબ જ મહત્વની ઘટના છે. જો 15 ઑગસ્ટ 2022ના રોજ આપણે તેને શિખર પર લઇ જઇએ તો 2022થી 2023 દરમિયાન દરેક ઘરમાં આઝાદીનો અમૃત મહોત્સવ, અમૃત કાલનો સંકલ્પ અને દરેક ક્ષેત્રમાં દેશને સર્વોચ્ચ સ્થાન પર લઇ જવાનો આપણો સંકલ્પ જરૂર પૂર્ણ થશે.
 
આ બેઠક દરમિયાન ગુજરાત, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, પંજાબ, દિલ્હી, નાગાલેન્ડ, આસામ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓએ હર ઘર તિરંગા કાર્યક્રમ પર પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા હતા. તેમણે આ કાર્યક્રમમાં પોતપોતાનાં રાજ્યોનાં તમામ ઘરોઅને સંસ્થાઓની સંપૂર્ણ ભાગીદારીની ખાતરી આપી હતી. તેમણે દેશની આઝાદીનાં 75મા વર્ષમાં આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વની પ્રશંસા કરતાં આભારની લાગણી વ્યક્ત કરી હતી.