શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 મે 2018 (12:56 IST)

પાટીદારોને અનામતથી બધા પ્રશ્નો નહીં ઉકેલાય-જાતિવાદી રાજકારણ કરવું જ યોગ્ય: હાર્દિક

પાસના નેતા હાર્દિક પટેલને પાસમાંથી સાઇડલાઇન કરીને પાસના મોટા જૂથે પાટીદાર શહીદ યાત્રા નિકાળવાની જાહેરાત કરી છે ત્યારે હાર્દિકે પોતે જાતિવાદી રાજકારણ જ રમે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધી છે તેમ જાહેર કરીને પોતાના પદ પર ટકી રહેવાનો મરણિયો પ્રયાસ જાહેર કર્યો છે.તે સાથે પાટીદારોને અનામતથી બધા પ્રશ્નો નહીં ઉકેલાય તેવો પણ મત વ્યક્ત કર્યો છે

. હાર્દિક પર જાનનું જોખમ ન હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી વાય પ્લસ કેટેગરીની સુરક્ષા પણ આ મહિનાથી પરત ખેંચી લેવામાં આવી છે ત્યારે હાર્દિકે ગુજરાત પોલીસની સુરક્ષા નહીં લે તેમ પણ જાહેર કર્યું છે.  એકતરફ પાટીદારો પરના પોલીસ દમન સામે પૂજ તપાસ પંચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અને એસપીજી દ્વારા સમાજને મદદ કરવાની પણ તૈયારી દર્શાવાઇ છે. તે સમયે હાર્દિક હજુ ભાજપ-કોંગ્રેસના રાજકારણમાં વ્યસ્ત હોવાનું ફલિત થયું છે. 

હાર્દિકે જણાવ્યું છે કે, પાસ એક જ સમાજની વાત કરે તો કેટલાક લોકોને તે પસંદ નથી પરંતુ તેની સાથે બેરોજગારી, શિક્ષણ અને ખેડૂતોના પ્રશ્ને સરકાર શું કરી રહી છે તેનો અમે જવાબ માગીયે છે. પાટીદારો માટે અનામતની માગણી છે અને તેનાથી અમારી બધી મુશ્કેલીઓનો અંત નથી આવી જવાનો પરંતુ બેરોજગારી, ખેડૂતોનો આપઘાત જેવા અન્ય પ્રશ્નો પણ તેના કારણે સંભળાતા થાય તે હેતુ છે. જો કેટલાકને એમ લાગે કે અમે જાતિવાદી રાજકારણ કરી રહ્યા છે તો અમને તે જ યોગ્ય લાગે છે. 

હાર્દિકે કહ્યું હતું કે હવે તે બાબત પણ છુપાવવાની નથી અને હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સીધો વિરોધ કરૂ છું.  બીજી તરફ હાર્દિકને વિધાનસભાની ચૂંટણી પૂર્વે તેની પર તોળાતા જોખમને જોતા કેન્દ્ર સરકારે વાય પ્લસ કેટેગરીની સુરક્ષા ફા‌ળવી હતી તે પરત ખેંચી લીધી છે. જો કે હાલ પૂરતું ગુજરાત સરકારની સુરક્ષા વ્યવસ્થા લેવાનો હાર્દિકે ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે સરકારની પોલીસ સુરક્ષા વ્યવસ્થાની પધ્ધતિ પર વિશ્વાસ નથી.