ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 જુલાઈ 2018 (13:04 IST)

હિંડોળા ઉત્સવ: કલાત્મક હિંડોળાના દર્શનનો મંદિર-હવેલીઓમાં પ્રારંભ

અમદાવાદમાં હિંડોળા ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે રવિવારે શહેરનાં અનેક મંદિરો અને હવેલીઓમાં કલાત્મક હિંડોળાનાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યાં હતાં. BAPS સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતે પણ હિંડોળા દર્શનનો પ્રારંભ થયો છે. અહીં દરરોજ સવારે 9થી 12 અને સાંજે 4થી 6 દરમિયાન હિંડોળાનાં દર્શન થઈ શકશે. જગન્નાથજી મંદિર, જમાલપુર ખાતે શ્રાવણ સુદ ત્રીજથી રક્ષાબંધન સુધી હિંડોળાનાં દર્શન થતાં હોય છે. મંદિરના મહંત પૂ.દિલીપદાસજી મહારાજે જણાવ્યું કે આ વર્ષે તા.13થી 26 ઓગસ્ટ સુધી હિંડોળાનાં દર્શન જગન્નાથજી મંદિર ખાતે સાંજે 4.30થી રાત્રે 8.30 વાગ્યા સુધી થઈ શકશે. જ્યારે સાંજે 6થી 8 દરમિયાન ભજન-કીર્તન પણ થશે. હિંડોળા દર્શન અંતર્ગત કલાત્મક ચાંદીના વિશિષ્ટ હિંડોળાનાં દર્શન પણ થશે. ભાગવત વિદ્યાપીઠ, સોલા ખાતે રવિવારે નંદઆંગનમાં પંચરંગી ફૂલોના હિંડોળાના દર્શન મોટી સંખ્યામાં વૈષ્ણવોએ કર્યા હતા. અહીં સાંજે 5થી 7 દરમિયાન દર્શન થશે. જ્યારે શ્રી વલ્લભધામ હવેલી, મણિનગર ખાતે 250 વર્ષ પ્રાચીન ચાંદીના હિંડોળાનાં દર્શન થયા હતા. અહીં સાંજે 5થી 7 દરમિયાન હિંડોળા દર્શન ચાલી રહ્યાં છે. વ્રજધામ, સેટેલાઈટ અને કલ્યાણપુષ્ટિ હવેલી, વસ્ત્રાપુર ખાતે સાંજે 7થી 8 દરમિયાન હિંડોળા દર્શન થશે. સ્વામિનારાયણ મંદિર-કુમકુમ, મણિનગર ખાતે દરરોજ સાંજે 4થી રાત્રે 8.45 સુધી હિંડોળા દર્શન તા.28મી ઓગસ્ટ સુધી યોજાશે. સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મામાં જોડીને ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર છે. હિંડોળા પર્વ દરમિયાન પ્રભુની નજીક આવવાની તક સાંપડે છે. અયોધ્યામાં આ દિવસો ‘ઝુલા ઉત્સવ' તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં વૈષ્ણવ અને સ્વામિનારાયણ મંદિરોમાં આ દિવસ ‘હિંડોળા ઉત્સવ' તરીકે ઉજવાય છે. શહેરમાં વિવિધ પ્રકારના હિંડોળાના દર્શન થતાં હોય છે. જે અંતર્ગત રક્ષાબંધનનાં દિવસે રાખડીના હિંડોળાનાં દર્શન થતાં હોય છે. ગુલાબના ફૂલથી માંડીને સૂકા મેવા, ઈલાયચી, લીલી ખારેક, શાકભાજીના હિંડોળા, કાચના હિંડોળા, વેલ્વેટ જરીની ઘટાના હિંડોળા, ચુંદડીના હિંડોળા, પવિત્રાના હિંડોળા, કેવડાના હિંડોળા, મોતીના હિંડોળાનો સમાવેશ થાય છે.