અમદાવાદમાં ગુરુવારથી દૂધ-દવા સિવાયની તમામ દુકાનો 7 દિવસ સુધી બંધ
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી સંભાળી રહેલા મુકેશ કુમારે આવતીકાલથી અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલી રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેડ ઝોનમાં તમામ બેન્ક બંધ રહેશે. કોરોનાની અમદાવાદમાં બેકાબુ પરિસ્થિતિને કાબુમાં લેવા સરકારે ડો. રાજીવ ગુપ્તાને જવાબદારી સોંપી છે અને મ્યુનિસિપલ વિજય નહેરા સેલ્ફ ક્વોરન્ટાઈન થતાં મુકેશકુમારને ચાર્જ સોપાયો છે. આજે ડો. રાજીવ ગુપ્તા અને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની અઘ્યક્ષતામાં તમામ ઝોનના ડેપ્યુટી કમિશનર અને અધિકારીઓ સાથે મીટીંગ કરી અને કોરોનાને કાબૂમાં લેવા રણનીતી નક્કી કરી હતી. શહેરમાં વધુ એક પુરવઠા વિભાગના અધિકારી વી.બી. ચોક્સીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ વસ્ત્રાલના મહેસૂલ ભવનમાં કાર્યરત વટવા ઝોનલની પુરવઠા કચેરીમાં ફરજ પર હતા.
રાજ્ય સરકારે ગાંધીનગરમાં રહેતા આ GST અધિકારીને વિના મુલ્યે વિતરણ કરાતા અન્નબહ્મ યોજનાના લાભાર્થીઓનો સર્વે ટીમના વડા તરીકે કરી નિમણૂંક કરી હતી. જો કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વટવા ઝોનલ કચેરીનો સ્ટાફ પણ આ અન્નબહ્મ યોજનાની ટીમમાં તેમની સાથે કાર્યરત હોવાથી તેઓ પણ સંક્રમિત થયા હોવાની આશંકા છે. આ પહેલા 5મેના રોજ બોપલમાં રહેતા અને પુરવઠા વિભાગની રખિયાલ ઝોનલ કચેરીના સિનિયર ક્લાર્કનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.