ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 ઑગસ્ટ 2017 (15:37 IST)

Honour killingની ઘટનાઓમાં ગુજરાત દેશભરમાં ત્રીજા ક્રમાંકે, ૩ વર્ષમાં ૩૦ જેટલી ઘટનાઓ બની

વિકસિત રાજયની છબી ધરાવતાં ગુજરાતમાં છેલ્લાં ૩ વર્ષમાં ૩૦ ઓનર કિલિંગની ઘટનાઓ બની છે. દેશમાં ગુજરાત ઓનર કિલિંગની ઘટનાઓ બાબતે ત્રીજા ક્રમાંકે આવે છે. જયારે વસ્તીની દ્રષ્ટિએ જોતાં ગુજરાત ૧ કરોડની વસ્તીએ બનતી ઓનર કિલિંગની ઘટનાઓની બાબતમાં દેશમાં ચોથા ક્રમાંકે છે. ગુજરાત ઓનર કિલિંગની ઘટનાઓમાં ઓછા વિકસિત રાજયો ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ કરતાં પાછળ છે.

ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશવર્ષ ૨૦૧૪ થી ૨૦૧૬માં અનુક્રમે ૧૪૮ અને ૩૯ ઓનર કિલિંગની ઘટનાઓ બની છે. જયારે વસતીની દ્રષ્ટિએ જોતાં આ યાદીમાં ત્રીજા સ્થાને પંજાબ રાજય આવે છે. જયાં આ સમયગાળા દરમિયાન ૨૧ ઓનર કિલિંગનાં કેસો નોંધાયા છે. કેન્દ્ર સરકારના એક રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૪માં ઓનર કિલિંગનાં ૨ કેસો ગુજરાતમાંથી રિપોર્ટ કરાયા હતા. જયારે ૨૦૧૫માં આ આંક વધીને ૨૧ સુધી પહોંચી ગયો હતો. જયારે વર્ષ ૨૦૧૬માં કુલ ૭ ઓનર કિલિંગનાં કેસો નોંધાયા હતા. આ બાબતમાં ગુજરાત હરિયાણા કરતાં પણ ઘણો આગળ છે. નોંધનીય છે કે હરિયાણા રાજયમાં ખાપ પંચાયતને કારણે ઓનર કિલિંગ અને અન્ય ગેરકાયદેસર ફરમાનો માટે અવારનવાર વિવાદો ઉભા થતા રહે છે તેમ છતા આ રિપોર્ટમાં હરિયાણામાં આ સમયગાળા દરમિયાન માત્ર ૬ ઓનર કિલિંગનાં કેસો નોંધાયા હોવાનું સામે આવ્યું છે.