શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 નવેમ્બર 2020 (15:55 IST)

દિવાળી બાદ દેશભરમાં ફરી વાર કોરોના વાઇરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

ગુજરાત સહિત દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.
 
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે સુપ્રીમ કોર્ટે રાજ્યો પાસેથી વર્તમાન સમયમાં કોરોના વાઇરસ અંગે લીધેલાં પગલાં અંગેનો રિપોર્ટ પણ મગાવ્યો છે.
 
સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને આસામ પાસેથી કોરોના વાઇરસ ચેપના ફેલાવાને અંકુશમાં લેવાનાં પગલાં અંગે સ્ટેટસ રિપોર્ટ માગ્યો છે.
 
કોર્ટની ખંડપીઠે કહ્યું કે આ રાજ્યોમાં ચેપ "નિયંત્રણમાંથી બહાર નીકળી રહ્યો છે" અને રાજ્યોને બે દિવસમાં સ્થિતિનો અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.
 
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, રવિવારે કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે કેન્દ્રની ઉચ્ચકક્ષાની ટીમો ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ મોકલાઈ હતી.
 
તો રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને છત્તીસગઢમાં પણ ટીમો મોકલવામાં આવી હતી.
 
ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કેસનો આંકડો 91 લાખને પાર કરી ગયો છે.
 
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલય અનુસાર હાલમાં સક્રિય કેસની સંખ્યા 4,43,486 છે જ્યારે 85,62,641 લોકો કોરોના વાઇરસથી સાજા થયા છે.
 
તેમજ દેશમાં અત્યાર સુધીમાં 1,33,790 દર્દીઓનાં કોરોનાને કારણે મૃત્યુ થયાં છે.
 
કોરોના વાઇરસને કાબૂમાં લેવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પોતપોતાની રીતે કામગીરી કરી છે.
 
માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સૅનિટાઇઝર વગેરેના માધ્યમથી વાઇરસને કાબૂમાં લેવાની જાગૃતિ પણ ફેલાવાઈ રહી છે.
 
તો દેશમાં કોરોના વાઇરસની રસી બનવાની પ્રક્રિયા પણ તબક્કા વાર આગળ વધી રહી છે.
 
તહેવારની સાથે ઑક્ટોબર અને નવેમ્બરમાં બિહાર વિધાનસભા ચૂંટણી અને ઘણાં રાજ્યોમાં પેટાચૂંટણી પણ યોજાઈ હતી.
 
ચૂંટણીની રેલીઓમાં ભીડમાં સોશિયલ ડિન્ટન્સિંગ અને માસ્ક વગેરે કોવિડના નિયમોનું પાલન જળવાયું નહોતું.
 
તો શિયાળાની શરૂઆત પણ સંક્રમણ વધવાનું એક કારણ જણાવાઈ રહ્યું છે.
 
covid19india.org અનુસાર, દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોનાના કેસની સંખ્યા 5,29,863 પર પહોંચી ગઈ છે.
 
જ્યારે 40,212 દર્દીઓ હાલમાં કોરોના વાઇરસની સારવાર લઈ રહ્યા છે. દિલ્હીમાં 4,81,260 દર્દીઓ કોરોના વાઇરસથી સાજા થઈ ગચા છે.
 
દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસને કારણે 8,391 દર્દીઓનાં મૃત્યુ પણ થયાં છે.
 
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 121 દર્દીઓનાં મૃત્યુ થયાં છે. જ્યારે 6746 નવા કેસ નોંધાયા છે.
 
સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી અને ગુજરાત જેવી જગ્યાએ સંક્રમણ વધતા ચિંતા વ્યક્ત કરી છે.
 
જસ્ટિસ અશોક ભૂષણના નેતૃત્વવાળી ખંડપીઠે દિલ્હી સરકારના વકીલ ઍડિશનલ સૉલિસિટર સંજય જૈનને કહ્યું, "દિલ્હીમાં સ્થિતિ બગડી રહી છે, ખાસ કરીને નવેમ્બર મહિનામાં. તમે એક સ્ટેટ્સ રિપોર્ટ તૈયાર કરીને કહો કે શું પગલાં ભર્યાં છે."
 
કેસની સુનાવણી દરમિયાન સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ એ વાત પર સહમતી દર્શાવી કે દિલ્હીમાં ઘણું બધું કરવાની જરૂર છે.
 
ઘણા વિશેષજ્ઞો કહે છે કે દેશ કોરોના વાઇરસની ત્રીજી લહેરમાંથી પસાર થઈ રહ્યો છે.
 
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પણ રાજ્યમાં વધતા સંક્રમણને ત્રીજી લહેર ગણાવી ચૂક્યા છે.
 
પબ્લિક હેલ્થ ફાઉન્ડેશનનાં ઉપાધ્યક્ષ ડૉ. પ્રીતિ કુમાર કહે છે, "અમે આને કોઈ લહેર તરીકે જોતા નથી, કેમ કે દેશમાં અલગઅલગ સમયે અલગઅલગ સ્થળોએ કેસમાં વધઘટ થઈ રહી છે. પબ્લિક હેલ્થ ઍક્સપર્ટ કે મહામારી વિશેષજ્ઞો માટે તેને અલગઅલગ લહેરનું નામ આપવું મુશ્કેલ છે."
 
દેશમાં સૌથી વધુ કોરોનાના કેસની સંખ્યા મહારાષ્ટ્રમાં છે અને મુંબઈ વધુ પ્રભાવિત શહેર છે.
 
મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના ચેપનો આંકડો 17 લાખ, 80 હજારને પાર કરી ગયો છે.
 
તેમજ અહીં 81, 512 દર્દીઓ હજુ પણ કોરોના વાઇરસની સારવાર લઈ રહ્યા છે.
 
મહારાષ્ટ્રમાં 16 લાખ, 51 હજારથી વધુ દર્દીઓ કોરોના વાઇરસથી સાજા થઈ ગયા છે.
 
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસથી 46 હજાર 623 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.
 
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સંયમ અને અનુશાસનથી મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસને કાબૂમાં લેવામાં આવ્યો છે.
 
તેઓએ લોકોને ચેતવણી આપતા કહ્યું કે સુરક્ષાના ઉપાયોને નજરઅંદાજ ન કરે, કોરોનાની બીજી કે ત્રીજી લહેર "સુનામી જેવી" સક્રિય થઈ શકે છે.
 
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ કોરોના વાઇરસને કેર યથાવત છે.
 
રાજ્યમાં કોરોના વાઇરસના કેસની કુલ સંખ્યા અત્યાર સુધીમાં 5,26,780 પર પહોંચી ગઈ છે.
 
તેમજ અહીં સક્રિય કેસની સંખ્યા 23,806 અને સાજા થયેલા દર્દીઓનો આંકડો 4,95,415 છે.
 
ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસથી 7,559 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.
 
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવળંકરનું માનવું છે કે ઠંડી, તહેવાર અને લોકોની બેદરકારીને કારણે કોવિડ-19ના કેસમાં ફરી વધારો થયો છે.
 
તેઓ કહે છે, "દેશના અલગઅલગ ભાગમાં આ લહેર અલગઅલગ તબક્કામાં છે. દિલ્હીમાં સ્પષ્ટ રીતે આ ત્રીજી લહેર છે. ગુજરાતમાં બીજી લહેર જેવું લાગી રહ્યું છે."
 
દક્ષિણમાં આવેલા કર્ણાટક રાજ્યમાં કોરોના વાઇરસના કેસની કુલ સંખ્યા અત્યાર સુધીમાં 8,73,046 પર પહોંચી છે.
 
રાજ્યમાં કોરોના વાઇરસથી 8,36,505 દર્દીઓ સાજા થઈ ગયા છે અને હજુ પણ 24,868 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
 
કર્ણાટકમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસથી 11,654 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.
 
આંધ્ર પ્રદેશ
 
આંધ્ર પ્રદેશની વાત કરીએ તો અહીં અત્યાર સુધીમાં કુલ 8,62,213 લોકોને કોરોના વાઇરસને ચેપ લાગી ચૂક્યો છે.
 
હાલમાં અહીં સક્રિય કેસની સંખ્યા 14,249 છે અને 8,41,026 દર્દીઓ અત્યાર સુધીમાં કોરોના વાઇરસની દવા લઈને સાજા થઈ ચૂક્યા છે.
 
કોરોના વાઇરસને કારણે અહીં કુલ મૃત્યુઆંક 6,938 પર પહોંચ્યો છે.
 
તામિલનાડુ રાજ્યમાં પણ કોરોનાને લઈને વિકટ સ્થિતિ છે. અહીં અત્યાર સુધીમાં 7,69,995 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.
 
જોકે હાલમાં સક્રિય કેસની સંખ્યા 12,542 છે અને સાજા થયેલા દર્દીઓનો આંકડો 7,45,848 પર પહોંચ્યો છે.
 
રાજ્યમાં અત્યાર સુધીમાં 11,605 દર્દીઓ કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામ્યા છે.
 
આ દરમિયાન એક સમાચાર એ પણ આવ્યા છે કે ઑક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી રહેલી કોરોનાની રસીના પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે આ રસી 70 ટકા લોકોમાં કોરોનાના લક્ષણને રોકી શકે છે.
 
ઉલ્લેખનીય છે કે ભારતમાં ઑક્સફર્ડની રસીનું નિર્માણ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
 
કોરોના મહામારી સામેની લડતમાં ઑક્સફર્ડની કોરોના રસીની ભૂમિકા મહત્ત્વની બની રહેશે પણ શરત એ છે કે નિયામકોની મંજૂરી મળવી જોઈએ.
 
છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી દિલ્હીમાં કોરોનાને લઈને સ્થિતિ બગડી છે.
 
11 નવેમ્બરે દિલ્હીમાં કોરોના વાઇરસના આઠ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા હતા, જે એક દિવસનો રેકૉર્ડ હતો.
 
દિલ્હીમાં સ્થિતિ ચિંતાજનક છે, કેમ કે હાલમાં આખા દેશમાં કેસની સંખ્યા ઘટી રહી છે અને દિલ્હીમાં વધી રહી છે.
 
ડૉક્ટર પ્રીતિકુમાર કહે છે કે હાલના દિવસોમાં સંક્રમણ વધવાનાં ઘણાં કારણો છે.
 
તેઓ કહે છે કે ઠંડી આવતા લોકો ઘરમાં વધુ રહે છે અને ઍર સકર્યુલેશન ઓછું થયું છે. તેમજ તહેવારોને કારણે બજારોમાં ભીડ પણ વધી છે.
 
ડૉક્ટર પ્રીતિ કહે છે, "યોગ્ય રીતે અને સતત માસ્ક પહેરવું ખાસ જરૂરી છે. તેમાં લોકોએ બેકાળજી દાખવી છે. તહેવારોમાં આવાગમન વધવાથી સંક્રમણ વધ્યું છે."
 
દિલ્હીમાં કેસ વધવાનું કારણ જણાવતાં ડૉક્ટર પ્રીતિકુમાર કહે છે કે તેનું એક કારણ એ હોઈ શકે છે કે ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ વધ્યો છે, જે દક્ષિણ રાજ્યોમાં નથી.
 
તેઓ કહે છે, "તેના કારણે સંક્રમણ વધ્યું છે. સાથે જ દિલ્હીમાં ટ્રાફિક અને આવાગમન પણ વધુ છે. તેની અસર પણ હોઈ શકે છે."