કાતિલ ઠંડીના નવા રાઉન્ડની આગાહી, શું કહે છે અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં હાલ ડબલઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી, બપોરે ગરમી અને રાત્રે ઠંડીની અસરથી રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી સાતમી ફેબ્રુઆરીથી ઠંડીનું જોર વધશે.
ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચી જશે. રાતે તેમજ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે. કોઈ વિસ્તારમાં હિમ પણ પડી શકે. જોકે, હાલ તો વાદળો છે. જેના કારણે ઠંડી પડતી નથી. ધીમે-ધીમે ઠંડીનું પ્રમાણ વધશે ત્યાર બાદ ફરી 19થી 22 ફેબ્રુઆરીએ મજબુત સિસ્ટમ આવશે. આ વખતે ગરમી સાથે ઠંડી સાથે બેવડી ઋતુનો અહેસાસ થશે.અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, પાંચ ફેબ્રુઆરી સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે. રાજસ્થાનના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક વિસ્તારમાં છાંટા પડવાની શક્યતા છે. ઉત્તર પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વરસાદી છાંટા પડી શકે.