મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 14 ઑક્ટોબર 2022 (08:53 IST)

'હું પાટીદાર છું એટલે ભાજપે મને ટાર્ગેટ કર્યો', મુક્ત થયા બાદ ગોપાલ ઈટાલિયાએ ભાજપને શું કહ્યું?

GOPAL ITALIYA
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાની આજે બપોરે દિલ્હી પોલીસે અટકાયત કર્યા બાદ સાંજે તેમને મુક્ત કરી દેવામાં આવ્યા છે.
 
આજે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા પાઠવવામાં આવેલા સમન્સનો જવાબ આપવા માટે ગોપાલ ઈટાલિયા દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં દિલ્હી પોલીસે અટકાયત કરી હતી.
 
ઈટાલિયાને પોલીસે મુક્ત કરી દીધા હોવાની પુષ્ટિ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કરી છે.
 
તેમણે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ગુજરાતની જનતાએ કરેલા વિરોધ બાદ પોલીસે તેમને મુક્ત કરી દીધા છે.
 
ઉલ્લેખનીય છે કે ગોપાલ ઈટાલિયાને દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલાપંચ સામે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.
 
તેમનો એક વીડિયો ભાજપના નેતાઓએ શૅર કર્યો હતો જેમાં તેમણે વડા પ્રધાન વિશે ટિપ્પણી કરતા અપશબ્દો વાપર્યા હોવાનો આક્ષેપ હતો. ત્યાર બાદ તેમને રાષ્ટ્રીય મહિલાપંચ તરફથી નોટિસ પાઠવી દેવામાં આવી હતી.
 
મુક્ત થયા બાદ ગોપાલ ઈટાલિયાએ એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે હું મારો પક્ષ રાખવા આવ્યો હતો અને અટકાયત કરી લીધી. પોલીસ સ્ટેશનમાં મને બેસાડી રાખ્યો હતો. મારો વાંક શું?
 
તેમણે કહ્યું, "મેં કોઈ ચોરી નથી કરી, લૂંટફાટ નથી કરી, બળાત્કાર નથી કર્યો, તો મને કેમ બેસાડી દીધો? કારણ કે હું પાટીદાર સમાજનો એક યુવાન છું. ભાજપ પાટીદારોને નફરત કરે છે. કારણ કે પાટીદાર સમાજ ભાજપથી નારાજ છે અને ભાજપની વિરુદ્ધ આમ આદમી પાર્ટીને ટેકો આપી રહ્યો છે. આ જ કારણ છે મને વારંવાર ટાર્ગેટ કરવામાં આવે છે. શું વાંક છે, મારો? અમે એવું તો શું ખરાબ કામ કરી દીધું છે આ દેશમાં? કે મને પોલીસ સ્ટેશનમાં બેસાડી રહ્યા છે, એનસીડબ્લ્યુ (રાષ્ટ્રીય મહિલા આયોગ) બોલાવી રહ્યું છે."
 
તેમણે વધુમાં કહ્યું કે, "ભાજપને એ વાતની ચીડ છે કે નાનકડા ગામડામાંથી આવનારો એક છોકરો કેવી રીતે પાર્ટીનો અધ્યક્ષ બની ગયો, પટેલનો દીકરો. આટલા બધા પટેલો નીકળીને કેવી રીતે રાજનીતિમાં આવી ગયા? તેઓ પટેલોથી નફરત કરે છે. નફરતમાં એટલા આંધળા થઈ ગયા છે કે ગુજરાતથી અહીં બોલાવીને પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધો. અમે લોકોના અધિકારો માટે લડી રહ્યા છીએ. ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહ્યો છે, એ તમે આજે જોયું. બસ આ જ વાત છે."