શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 25 નવેમ્બર 2021 (16:40 IST)

રાજકોટમાં રિક્ષા સિટીબસ સાથે ઘસાતા બસના કર્મચારીઓ એકત્ર થયા, વૃદ્ધ રિક્ષાચાલકને તમાચા ઝીંક્યા, મનપા કમિશનરે તપાસના આદેશ આપ્યા

- વૃદ્ધને રસ્તા પર બેસાડી સિટીબસના કર્મચારીઓએ માર માર્યો, વીડિયો વાઇરલ
 
રાજકોટમાં વધુ એક વખત સિટીબસ કર્મચારીઓની દાદાગીરી સામે આવી છે. સિટી બસના કર્મચારીઓનો દાદાગીરીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. રાજકોટના કાલાવડ રોડ પર સિટીબસ સાથે રિક્ષા ઘસાઈ હતી. બાદમાં સિટીબસના કર્મચારીઓ એકત્ર થયા હતા અને વૃદ્ધ રિક્ષાચાલકને માર માર્યો હતો. આ વીડિયો વાઇરલ થતા રાજકોટ મનપા કમિશનર દ્વારા સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. 
 
વદ્ધને રસ્તા પર બેસાડી માર માર્યો
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર સામે સિટી બસસ્ટોપ ખાતે એક વૃદ્ધ રિક્ષાચાલકને સિટી બસના કર્મચારી માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક વૃદ્ધને રોડ પર બેસાડી સિટીબસના કર્મચારી માર મારી રહ્યા છે. આ સમગ્ર મામલે રાજકોટ મનપાના કમિશનર અમિત અરોરાએ ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. 
 
પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી
કાલાવડ રોડ પર અન્ડર બ્રિજ નજીક રિક્ષા બસ સાથે ઘસાતા સિટીબસના કર્મચારીઓ અને રિક્ષાચાલક વૃદ્ધ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બાદમાં મામલો ગરમાતા રિક્ષાચાલકને માર મારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સિટીબસના કર્મચારીઓ વારંવાર કાયદો હાથમાં લઇ બબાલ કરતા હોય છે અને વિવાદમાં સપડાતા હોય છે. ત્યારે આ ગંભીર મામલે મનપા તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું.