શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 એપ્રિલ 2021 (16:38 IST)

સુરતમાં આર્સેલર મિત્તલ કંપનીએ કોરોનાના દર્દીઓ માટે પ્લાન્ટમાં જ હોસ્પિટલ ઊભી કરી, ટૂંક સમયમાં જ 1000 બેડ તૈયાર કરાશે

જાણીતા સ્ટીલ ઉત્પાદકો આર્સેલર મિત્તલ પરિવારે કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને તુરંત જ પ્રતિસાદ આપ્યો છે. હજીરા ખાતેના પોતાના પ્લાન્ટ પરિસરમાં જ 250 બેડની હંગામી કોવિડ હોસ્પિટલ ઊભી કરીને માનવ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે કોવિડ હોસ્પિટલની શુભારંભ વેળાએ વીડિયો કોન્ફરન્સિંગથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આર્સેલર મિત્તલે ઓક્સિજનની તીવ્ર જરૂરિયાતની આ વેળાએ સમાજ પ્રત્યેની જવાબદારી ઉમદા રીતે નિભાવી છે. તેમણે લક્ષ્મી મિત્તલ અને આર્સેલર મિતલ પરિવારની આ પહેલને આવકારી હતી. વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા એક મહિનામાં કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ 41 હજારથી વધારીને 92 હજાર જેટલા કર્યા છે. આજે ઓક્સિજનની સુવિધા સાથેની હોસ્પિટલની ખૂબ જ આવશ્યકતા છે ત્યારે આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટની આ પહેલ આવકારદાયક છે.

વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ દેશના ઉત્પાદકોને ઓક્સિજનનું મહત્તમ ઉત્પાદન કરવા અને કોરોનાના દર્દીઓની આવશ્યકતાને પહોંચી વળવામાં સહયોગ આપવા અપીલ કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ગુજરાતના ઉત્પાદકોને કોરોનાની સ્થિતિમાં ઓક્સિજનની માંગને પહોંચી વળવામાં મદદરૂપ થવાની અપીલ કરી હતી. આર્સેલર મિત્તલે રાજ્ય અને કેન્દ્ર સરકારના આ આહવાનને ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો છે. ગુજરાતમાં સુરત નજીક હજીરામાં કાર્યરત આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ પોતાના સ્ટીલ ઉત્પાદન માટે ગેસ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓની જરૂરિયાત માટે ગેસ ઓક્સિજનનું પરિવહન શક્ય નથી હોતું. પરિવહન માટે લિક્વીડ ઓક્સિજન ગેસની આવશ્યકતા હોય છે. અહીં ઉલ્લેખનીય છે કે, આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ તરફથી અત્યારે પોતાના લિક્વીડ ઓક્સિજન ઉત્પાદનને 30 ટકા વધારી 185 મેટ્રીક ટન લિક્વીડ ઓક્સિજન કોરોનાના ગુજરાતના દર્દીઓ માટે આપવામાં આવી રહ્યો છે.