પોરબંદરમાં ગરબાનું ઈનામ લેવા જતાં પિતા ખોવાનો વારો આવ્યો, પોલીસમાં મામલો પહોંચ્યો
પોરબંદરમાં નવરાત્રિનો તહેવાર એક પરિવાર માટે માતમમાં ફેરવાઈ ગયો હતો. મંગળવારે રાતે 11 વર્ષની બાળકીને ગરબામાં બે ઇનામ મળ્યા હતા. જેમાં તેની પાસે એક જ ઇનામ આવ્યું હતુ. જેથી તેની માતાએ આયોજકોને જાણ કરી હતી.
આ દરમિયાન થોડી બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ માતા અને બાળકી ઘરે આવી ગયા હતા. પરંતુ રાતે ગરબાના આયોજકો સહિત કેટલાક લોકોએ બાળકીના પિતાનું અપહરણ કરીને માર મારતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ દરમિયાન તેમનું મોત નીપજ્યુ હતુ.
પોરબંદરમાં એક બાળકીએ ગરબામાં ભાગ લીધો હતો અને તેની બે ઈનામો માટે પસંદગી થઈ હતી. માતા રાત્રે દિકરીને ગરબામાંથી લેવા માટે ગઈ હતી. ત્યારે બાળકીએ તેની માતાને કહ્યું હતું કે, મને બે ઈનામ મળ્યાં છે અને એક ઈનામ ઓછું મળ્યું છે. જેથી માતાએ ગરબાના આયોજકો સામે રજૂઆત કરી હતી. ત્યારે આયોજકો સાથે ઈનામને લઈને બોલાચાલી થઈ હતી. આયોજકોની પત્નીઓ દ્વારા મહિલાને મારી નાંખવા સુધીની ધમકીઓ આપવામાં આવી હતી. ત્યાર બાદ માતા અને દીકરી ઘરે આવી ગયાં હતાં. બાળકીના પિતા ઘરની બહાર બેઠા હતાં ત્યારે બે ત્રણ શખ્સો આવ્યા હતાં અને તેમનું અપહરણ કરીને લઈ ગયાં હતાં. તેમને ઢોર માર મારીને ગંભીર ઈજાગ્રસ્ત કર્યા હતાં.સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં 6 આરોપીઓના નામજોગ તેમજ બેથી ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.