ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: વડોદરા , મંગળવાર, 19 માર્ચ 2024 (17:14 IST)

સી.આર.પાટીલ સાથે બેઠક કર્યા બાદ માની ગયા કેતન ઈનામદાર, રાજીનામું પરત ખેંચ્યું

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આજે સવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતાં રાજકારણ ગરમાયું હતું. નારાજ કેતન ઈનામદાર બપોરે સી.આર. પાટીલના બંગલે પહોંચ્યા હતા. પાટીલ સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ તેઓ માની ગયા હતાં અને અંતે રાજીનામું પરત ખેંચ્યું હતું. 
 
મને સંતોષ થાય એ રીતે મારી વાત સંગઠને સાંભળી
ગાંધીનગરમાં સી.આર.પાટીલ સાથે કેતન ઇનામદારે બેઠક કરી હતી. જેમાં કાર્યકરોની અવગણનાનો મુદ્દો રજૂ કર્યો હતો. આ બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી રજની પટેલ હાજર હતા. સી.આર.પાટીલ સાથે બેઠક પુર્ણ થયા બાદ કેતન ઇનામદારે રાજીનામું પરત ખેંચ્યું હોવાનું કહ્યુ હતું. તેમણે કહ્યુ કે પાર્ટીના કાર્યકર્તાઓના માન સન્માનની વાત બેઠકમાં રજુ કરી હતી. મને સંતોષ થાય એ રીતે મારી વાત સંગઠને સાંભળી છે.પક્ષના નેતૃત્વએ મને સાંભળ્યો છે એટલે મારુ રાજીનામું હું પરત લઉ છું. હું પાર્ટીનો વફાદાર કાર્યકર છું એટલે પાર્ટીને કોઇ નુકશાન થવા નહી દઉ. તેમણે કહ્યુ મારા મતવિસ્તામાં બાકી કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે બેઠકમાં રજુઆત કરી છે. 2027ની ચૂંટણી હું નથી લડવાનો તેમ પણ જણાવ્યુ હતું.  
 
પાર્ટીમાં જૂના કાર્યકરોની અવગણના થાય છેઃ ઈનામદાર
રાજીનામું પરત ખેંચ્યા પહેલા કેતન ઇનામદારે જણાવ્યું હતું કે મારું રાજીનામું પ્રેશર ટેક્નિક નથી. પાર્ટીને અમારે ફોલો કરવી પડે. અમે પાર્ટીના કાર્યકર્તા છીએ તેમ છતાં જૂના કાર્યકરોને ધ્યાનમાં રાખવામાં કંઇક કંઇક જગ્યાએ કચાશ રાખવામાં આવી છે. મને પોતાને આવું લાગ્યું છે. ઘણી વખત આવી રીતે બધે જ રજૂઆતો કરી છે. મને પોતાને એવું લાગ્યું કે સત્તા માટે લોકો રાજકારણમાં આવતા હોય, એવો લોકોના મગજમાં ભ્રમ છે. દરેક વ્યક્તિ સત્તા માટે નથી આવતી. વર્ષ-2012ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી જીત્યો ત્યારથી લઇને આજ દિવસ સુધી હું સાવલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરું છું.