મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (16:04 IST)

ખામીભરેલી વિતરણ વ્યવસ્થાના કારણે દર વર્ષે નર્મદા યોજનાનું કરોડો લિટર પાણી કચ્છના નાના રણમાં વહી જાય છે

નર્મદા કેનાલનું કરોડો લિટર પાણી ક્ચ્છના નાના રણમાં વેડફાતું હોવાથી ભર શિયાળે ચોમાસા જેવો માહોલ ઉભો થયો છે. આ પાણી ખારાઘોડાથી શરૃ કરીને નિમકનગર સુધીના પ૦ કિમી જેટલા વિસ્તારમાં પથરાયેલું છે.એક બાજુ પાણી મૂલ્યવાન છે તેનો પ્રચાર કરવામાં આવે છે બીજી બાજુ કેનાલોમાંથી રણમાં વહી જતા પાણીને તંત્ર અટકાવી શકતું નથી.

પ્રાપ્ત માહિતી મુજબ રવીપાકોમાં ખેડૂતો પિયત કરી શકે તે માટે ઓકટોબરથી માર્ચ મહિના સુધી રણ પ્રદેશ પાસે માળિયા,મોરબી તરફની કેનાલ,વિરમગામ,પાટડી અને ઝીંઝુવાડા તરફની કેનાલોમાંથી પાણી છોડવામાં આવે છે.જો કે કેનાલોની અધૂરી અને નબળી કામગીરી તેમજ ખામી ભરેલી વિતરણ વ્યવસ્થા હોવાથી ખેડૂતો નર્મદાનું પાણી કુદરતી ખાડાઓ અને વોકળામાં સંગ્રહ કરીને મશીનો વડે ખેતર સુધી પહોંચાડે છે.કયાંક કાચા ધોરિયા કરીને ખેડૂતો પાકને પાણી આપે છે પરંતુ જરુરીયાત પુરી થઇ ગયા પછી ખેડૂતો પણ પાણી વહાવી દેતા હોવાથી ઓવરફલો થઇને રણમાં જમા થતું જાય છે.
આ અંગે એક સ્થાનિક ખેડૂતના જણાવ્યા મુજબ  એક ખેડૂત પાંચ વર્ષ સુધી એના ખેતરમાં પિયત કરી શકે તેટલું પાણી એક વર્ષમાં વેડફાય છે.દસાડા,માલવણ,ધાંગ્રધા અને માલવણ વિસ્તારના કેટલાય ગામોમાં નર્મદા યોજના ખાડા ભરો યોજના બની ગઇ છે.અન્ય એક ખેડૂત રણશીભાઇના જણાવ્યા મુજબ પિયત માટેનું પાણી દરેક પિયત મંડળીના છેવાડાના ખેડૂતો સુધી પહોંચાડવાનું હોય છે,પરંતુ નવાઇની વાત તો એ છે કે પિયત મંડળીઓ માત્ર કાગળ ઉપર જ બનાવવામાં આવી છે.આથી જે તે ગામની નજીકના ખાડાઓ અને વોકળામાં પાણી ભરીને ખેડૂતો મશીનો વડે પાણી પિવડાવે છે.આ ખાડાઓ અને વોકળાંમાંથી પાણી ઓવરફલો થઇને કરોડો લિટર પાણી રણમાં વહી રહયું છે.
એક બાજુ કરોડો લિટર પાણી વહી જાય છે અને બીજી તરફ અમદાવાદ જિલ્લા સહિતના ગુજરાતના ઘણાય વિસ્તારોમાં પીવાનું પાણી મળતું નથી, સિંચાઇની સગવડ મળતી નથી. હકીકતમાં આ બધી આયોજનની કમી છે. ચીન કે અન્ય દેશોમાં યોજનાનો ડેમ અને તેનું કેનાલ નેટવર્ક બધું એક સાથે પૂરું થતું હોય છે. એટલે સિંચાઇ યોજના શરૃ થાય તે સાથે જ છેવાડાના વિસ્તારોમાં પાણી મળવા માંડે છે. જયારે ગુજરાતમાં હજારો કિ.મી.ન કેનાલ નેટવર્કનું કામ જ બાકી છે. પરિણામે સિંચાઇ માટેનું પાણી દરિયા વહી જાય છે.