રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 એપ્રિલ 2020 (15:44 IST)

ગુજરાતમાં ચશ્માની દૂકાન લોકડાઉન બાદ ખોલાશે, સરકારનો બે કલાકમાં જ યુ ટર્ન

ગુજરાતમાં ચશ્માની દૂકાનને 'આવશ્યક સેવા'માં ગણી તેને ૨૫ એપ્રિલથી શરૃ કરવા મુદ્દે ગુજરાત સરકારે માત્ર બે કલાકમાં યુ-ટર્ન લઇ લીધો છે. ગુજરાતમાં ચશ્માની દૂકાન હવે લોકડાઉન બાદ જ ખોલવામાં આવશે. અગાઉ ગુજરાત ઓપ્ટિકલ ફેડરેશન દ્વારા શુક્રવારે બપોરે એવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે સરકારે ચશ્માની દૂકાનનો આવશ્યક સેવા હેઠળ સમાવેશ કરેલો છે. જેના પગલે હવે શનિવારથી દરરોજ સવારે ૯થી બપોરે ૨ દરમિયાન ગુજરાતમાં આવેલી તમામ ચશ્માની દૂકાન ખૂલી રહી શકશે.

ચશ્માની દૂકાનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ યોગ્ય રીતે પાલન કરવામાં આવશે.   પરંતુ તેના બે કલાકમાં જ સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે લોકડાઉન પૂર્ણ થયા બાદ જ ચશ્માની દૂકાન શરૃ કરવામાં આવશે. લોકડાઉનને લીધે છેલ્લા એક મહિનાથી ચશ્માની તમામ દૂકાનો બંધ છે. જેના કારણે જેમના ચશ્મા તૂટી ગયા છે કે લેન્સ એક્સપાયર્ડ થઇ ગયા છે તેમને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક લોકો ચશ્માની દાંડી ફેવિસ્ટિક-દોરીથી ચોંટાડી કામ ચલાવી રહ્યા છે. ખાસ કરીને જેમના નંબર વધારે છે તેમને ચશ્મા તૂટી જવાથી વધુ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.  ચશ્માની દૂકાનને આવશ્યક સેવા હેઠળ આવરી લઇ લોકોના લાભ માટે લોકડાઉનમાં પણ શરૃ કરવી જોઇએ તેમ ચર્ચાઇ રહ્યું છે. દિવસમાં ફક્ત રિપેરિંગ માટે પણ ચશ્માની દૂકાન શરૃ કરાવી જોઇએ તેમ લોકોનું માનવું છે.