લોકરક્ષક ભરતી વિવાદઃ જાણો કેમ પુરુષ ઉમેદવારો ફરીવાર હાઈકોર્ટના શરણે પહોંચ્યાં
લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં અનામત બેઠકોના ક્વોટાની ગણતરી અંગે ફરી એકવાર વિવાદ સર્જાયો છે. આ વખતે 300થી વધુ પુરુષ ઉમેદવારોએ રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી છે. કટ ઓફ માર્ક ઘટાડીને 2,485 બેઠકો પર મહિલા ઉમેદવારોની ભરતી કરવાના રાજ્ય સરકારના નિર્ણય સામે પુરુષ ઉમેદવારોએ વાંધો ઉઠાવ્યો છે.187 ઉમેદવારોએ કરેલી પિટિશનમાં પુરુષ ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો આરોપ મૂક્યો છે. શુક્રવારે જસ્ટિસ એ.સી. રાવે રાજ્ય સરકારને નોટિસ આપીને 6 ઓક્ટોબર સુધીમાં જવાબ માગ્યો છે. અરજીકર્તાઓએ હાઈકોર્ટને વિનંતી કરી છે કે, 2018માં શરૂ થયેલી LRDની ભરતી પ્રક્રિયાને રદ્દ કરવામાં આવે.
ચોક્કસ ગણતરીઓ અને કટ ઓફ માર્ક નક્કી કરીને ફરીથી ભરતી પ્રક્રિયા હાથ ધરે જેથી લાયક ઉમેદવારોને અન્યાય ના થાય, તેમ અરજીમાં જણાવ્યું છે. રાજ્ય સરકારે 1 ઓગસ્ટ, 2018એ સરકારી નોકરીઓમાં મહિલા અનામતને લઈને કરેલો વિવાદાસ્પદ પરિપત્રને હાઈકોર્ટે રદ્દ કર્યો હતો. ત્યારે LRDની આ ભરતી ગુજરાત હાઈકોર્ટના એ ચુકાદાનો ભંગ છે. જેથી 12 હજાર ઉમેદવારોને અપાયેલા અપોઈન્ટમેન્ટ લેટર પણ રદ્દ થવા જોઈએ. 5,277 મહિલા ઉમેદવારોને કટ ઓફ માર્ક ઘટાડીને ભરતી આપવામાં આવી અને એ પણ ભરતી પ્રક્રિયા પૂર્ણતાના આરે હતી ત્યારે, સરકારની આ પ્રક્રિયા ગેરકાયદે અને ગેરબંધારણીય છે, તેમ અરજીકર્તાઓના એડવોકેટ આનંદ યાજ્ઞિકે અરજીમાં જણાવ્યું છે. અરજીમાં રજૂઆત કરવામાં આવી કે, ભરતી પ્રક્રિયામાં નાત-જાત અને સ્ત્રી-પુરુષના ભેદભાવ વગર સરકારી ભરતી કરવી પડે છે. પરંતુ LRDની ભરતી પ્રક્રિયામાં સવર્ણ અને પછાત સમાજને સારું લાગે તે માટે માર્ક ઘટાડીને મહિલા ઉમેદવારોની ભરતી કરાઈ, જે ગેરકાયદે અને ગેરબંધારણીય છે. અરજીકર્તાઓએ ભરતી પ્રક્રિયાના અંતે ક્વોટાના નિયમોનું પાલન ના કરીને કટ ઓફ માર્ક ઘટાડી, સુપર ન્યૂમરરી બેઠકો ઊભી કરવા સહતિના ફેરફારો સામે સવાલ ઉઠાવ્યો છે.