ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 ફેબ્રુઆરી 2019 (13:47 IST)

મોલ મલ્ટિપ્લેક્સમાં પાર્કિગ ચાર્જનો વિવાદઃ હાઈકોર્ટે કેસને ચુકાદા પર મુલતવી રાખ્યો

મોલ મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ લેવાના વિવાદમાં સરકારે હાઈકોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરી છે કે, જો મોલ-મલ્ટિપ્લેક્સને પાર્કિંગ ચાર્જ વસૂલવાની છૂટ અપાશે તો કાલે અન્ય રેસ્ટોરાં અને દુકાનદારો પણ સુવિધાના નામે પાર્કિંગ ચાર્જ વસૂલવા લાગશે. આ તમામ દલીલો ધ્યાને લઈ હાઈકોર્ટે કેસને ચુકાદા પર મુલતવી રાખ્યો છે. મોલ-મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ વસૂલવા બાબતે થયેલી રિટમાં સરકારે ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ રજૂઆત કરી હતી કે, પાર્કિંગ જરૂરિયાતની વસ્તુ હોવાથી તેનો કોમર્શિયલ ઉપયોગ જાહેર હિતમાં ન ગણી શકાય. જો આ તબક્કે મોલ-મલ્ટિપ્લેક્સને પાર્કિંગ ચાર્જ વસૂલવાની પરવાનગી આપવામાં આવે તો પછી અન્ય રેસ્ટોરાં અને દુકાન માલિકો પણ પાર્કિંગ ચાર્જ વસૂલશે. અરજદાર મોલ-મલ્ટિપ્લેક્સ સંચાલકોએ એવી રજૂઆત કરી હતી કે, જીડીસીઆરના નિયમ સહિત અન્ય ક્યાંય પણ એવી કોઈ જોગવાઈ નથી કે તેઓ પાર્કિંગ ચાર્જ વસૂલી શકે નહિ. એટલું જ નહિ, પણ તેઓ પાર્કિંગની સુવિધા આપે છે. તેની સફાઈથી લઈને અન્ય બાબતોનું ધ્યાને રાખે છે તેમ જ કોર્પોરેશન પણ પોતાના એકમોમાં પાર્કિંગ ચાર્જ વસૂલે છે. હાઈકોર્ટની સિંગલ બેન્ચે અગાઉ આદેશ આપી ગ્રાહકને પ્રથમ કલાક મફત પાર્કિંગ અને તે બાદ સામાન્ય ચાર્જ વસૂલવા માટે મંજૂરી આપી હતી. જોકે પ્રથમ કલાક મફત પાર્કિંગ સુવિધા આપવા સહિતની કેટલીક શરતોને દૂર કરવા માટે મોલ-મલ્ટિપ્લેક્સ સંચાલકોએ હાઈકોર્ટમાં રિટ કરી હતી.