ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 નવેમ્બર 2019 (13:11 IST)

જયંતિ ભાનુશાળી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉની ધરપકડ

ગુજરાતમાં ભારે ચકચાર જગાવનારા કચ્છ ભાજપનાં નેતા જયંતી ભાનુશાળીની હત્યા કેસમાં વધુ બે આરોપીઓ મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની ઉત્તરપ્રદેશનાં અલાહાબાદથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતની સીઆઈડી ક્રાઇમની રેલવે પોલીસે ફરાર આરોપીઓને ઉત્તરપ્રદેશનાં અલ્હાબાદમાંથી ઝડપી પાડ્યાં છે.  પોલીસનાં કહેવા પ્રમાણે ભાનુશાળીની હત્યાનું કાવતરું તેના રાજકીય હરિફ છબીલ પટેલ અને મનિષા ગોસ્વામી નામની યુવતીએ ઘડ્યું હતું. જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ હત્યા અંગે છબીલ પટેલ અને મનિષા ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. હત્યાના થોડા દિવસો પહેલા છબીલ પટેલ અમેરિકા જતો રહ્યો હતો અને મનીષા પણ પોતાના ઘરમાંથી પહેલા જ જતી રહી હતી. સમગ્ર કેસની તપાસ દરમિયાન પોલીસે છબીલ પટેલના રેલડી ખાતે આવેલા નારાયણ ફાર્મ હાઉસમાં દરોડા પાડી બે આરોપી નીતિન પટેલ અને રાહુલ જયંતી પટેલની ધરપકડ કરી હતી. બંને આરોપીઓની સઘન પુછપરછ કરી હતી. આ આરોપીઓએ પૂછપરછમાં સમગ્ર હત્યાકાંડ અંગે પોલીસને માહિતી આપી હતી. તેમાં તેમણે જણાવ્યું કે મનિષા ગોસ્વામીને જેલમાંથી બહાર કાઢવા માટે છબીલ પટેલ અને સુરજીત પરદેશી ભાઉએ મદદ કરી હતી. ત્યારબાદ મનિષા અને છબીલ પટેલે ભાનુશાળીની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. જયંતિ ભાનુશાળીની હત્યા માટે છબીલ પટેલે મનિષા ગોસ્વામીને પુના ખાતે શાર્પ શૂટર સાથે મુલાકાત કરાવી હતી. આ સાર્પ શૂટરમાં એક શશિકાંત કાંબલે અને બીજો શેખ અસરફનો સમાવેશ થાય છે. આ બંને મહારાષ્ટ્રના રહેવાસી છે. સોપારી આપ્યા બાદ શાર્પ શૂટરોને ગુજરાતમાં રહેવાની વ્યવસ્થા આરોપી મનિષાએ કરી આપી હતી. તેઓ છબિલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હતા. ત્યારબાદ તેમણે પ્લાનિંગ પ્રમાણે જયંતી ભાનુશાળીની હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા બાદ આરોપીઓએ ટ્રેનનું ચેન પૂલિંગ કર્યું હતું અને અન્ય સાગરીતોને મળી તેઓ રાધનપુર તરફ ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ આરોપીઓ ગુજરાતમાં કેટલાક ટોલ ટેક્સના સીસીટીવીમાં કેદ થઇ ગયા છે જે પોલીસે એકત્રિત કરી તપાસ કરી રહી છે. તો તપાસ દરમિયાન પોલીસને મૃતક જયંતિ ભાનુશાળીનો ગુમ થયેલો મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે.