સુરતમાં આર્થિક સંકડામણને પગલે રત્ન કલાકારના પરિવારના 4 સભ્યોનો સામૂહિક આપઘાત
Surat - સુરતઃ શહેરમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. ચારેયને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનામાં ટુંકી સારવાર બાદ માતા અને પુત્રી અને પુત્રનું મોત નિપજ્યું હતું.
જ્યારે પિતાનું પણ વધુ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. સુરતના આ પરિવારના મોભી રત્નકલાકાર પતિએ ઝેરી દવા પીધા બાદ તેના પિતરાઈને ફોન કરીને કહ્યું હતું કે, મારા એક દીકરા અને દીકરીને સાચવી લેજે. આપઘાત કરતાં પહેલાં રત્નકલાકારે વીડિયો બનાવીને કહ્યું હતું કે, હું સારો પતિ કે પિતા ના બની શક્યો. હાલમાં પ્રાથમિક તપાસમાં પરિવારે આર્થિક સંકળામણને કારણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
સારવાર દરમિયાન પત્ની, પુત્રી અને પુત્રનું મોત
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના સરથાણામાં રહેતા મુળ સિહોરના વતની વિનુભાઈ મોરડિયા હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે સાંજે તેઓ તેમની પત્ની શારદાબેન અને પુત્ર ક્રિશ તથા પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.