જાણો ગુજરાતમાં ક્યાં થયું માવઠું, રવી પાકોમાં વધુ એક મારથી ખેડૂતોની હાલત દયનીય
ખેડૂતોને આ વખતે ચોમાસું અને શિયાળામાં માવઠાના મારના કારણે પાકમાં નુકસાની વહોરવી પડી છે. ત્યારે આજે ફરી કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાએ જગતના તાતને રડવા મજબૂર કર્યો છે. માવઠાને પગલે રવી પાકોમાં નુકસાન થવાની ભીંતિ છે. જીરું, ચણા, ઘઉં, બટાટા સહિતના પાકોમાં નુકશાન થવાની શક્યતા છે. આજે વહેલી સવારે કચ્છના ગાંધીધામ, અંજાર, ભચાઉ, ભુજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં માવઠું થતાં ખેડૂતો ચિંતામાં પડ્યા હતા. બોટાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વડોદરા, મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં પણ સવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. બનાસકાંઠામાં પણ આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશ વાદળમય થતાં ચોમાસા જેવા માહોલ થયો હતો. અમીરગઢ સૂઈગામ સહિત કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પડ્યો હતો. અન્ય વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. રવી પાકોમાં નુકસાનની ભીંતિથી ખેડૂતો ચિંતીત છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં બસસ્ટેન્ડ, ટાવર ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. એક તરફ ગાઢ ધુમ્મસ અને બીજી તરફ વરસાદથી ખેડૂતો પર પડ્યા પર પાટા સમાન સ્થિતિ સર્જાઇ છે.