શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (12:21 IST)

MBBS વિદ્યાર્થીઓને કોવિડની ડ્યૂટીમાંથી હાઇકોર્ટ તરફથી રાહત મળી

અમદાવાદમાં મેડિકલ કોલેજના ફાઇનલ વર્ષમાં ભણતા 146 વિદ્યાર્થીઓને ફરજિયાત કોવિડ હોસ્પિટલમાં ફરજ માટે મૂકવાના કોલેજના પરિપત્રને વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં પડકાર્યો છે. જસ્ટિસ એસ.એચ. વોરાએ આવતી સુનાવણી સુધી વિદ્યાર્થીઓ સામે કોઇ પગલા નહીં લેવા સરકારને આદેશ કર્યો છે. કેસની સુનાવણી 7 ઓગસ્ટે હાથ ધરાશે. કોર્પોરેશન સંચાલિત મેડિકલ કોલેજમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફરજિયાત કોરોના સહાયક તરીકે ફરજ બજાવવા કોલેજ સત્તાધીશોએ પરિપત્ર કર્યો છે. જો ફરજ પર હાજર નહીં થાય તો તેમની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાયદાકીય પગલાં લેવાનો ઉલ્લેખ પરિપત્રમાં કરાયો છે. આ પરિપત્રને વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં પડકાર્યો છે. વિદ્યાર્થીઓ વતી એડવોકેટ આનંદ યાજ્ઞિકે એવી રજૂઆત કરી હતી કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કે એપેડેમિક એક્ટ હેઠળ વિદ્યાર્થીઓ સામે સરકાર આવા પગલાં લઇ શકે નહીં. તેમની કરિયરના મહત્વના 4 મહિના લૉકડાઉનના લીધે બગડ્યા છે. અમે હોસ્પિટલમાં ફરજ બજાવશું તો અમારો અભ્યાસ બગડશે. સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ મનીષા લવકુમારે દલીલ કરી હતી કે, આ અરજીને અન્ય કોવિડ સંબંધિત પીઆઇએલ સાથે સાંભળવી જોઇએ.