મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 11 જુલાઈ 2023 (12:51 IST)

રાજકોટમાં આવકવેરા વિભાગના દરોડા, જવેલર્સના 18થી વધુ સ્થળો પર તપાસ, સોની વેપારીઓમાં ફફડાટ

રાજકોટમાં બિલ્ડર લોબી પર કાર્યવાહી કર્યાના લાંબા સમય બાદ આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશ હાથ ધર્યુ હતું જેમા મોટા જવેલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.  આવકવેરા વિભાગની 20 ટીમો દ્વારા 18થી વધુ સ્થળોએ કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં આજે આવકવેરા વિભાગ દ્વારા અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે જેમા જાણીતા રાધિકા જવેલર્સ અને શિલ્પા જવેલર્સને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. આજે વહેલી સવારથી જ જુદી-જુદી ટુકડીઓ દ્વારા અલગ અલગ 18થી વધુ સ્થળોએ કાર્યવાહી કરી હતી. જેમાં રાજકોટના પેલેસ રોડ, સોની બજારમાં આવેલા શોરુમ તેમજ અક્ષર માર્ગ-અમીન માર્ગ પર આવેલો શો રુમ પર આવકવેરા વિભાગે કાર્યવાહી કરી હતી.

આજે રાજકોટમાં જવેલર્સને ત્યા અચાનક દરોડા પડતા સોની વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.રાધિકા જ્વેલર્સના માલિક પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ ખાતે બી-3ના પાંચમા માળે આવેલા ફ્લેટ ઉપર તેમજ પાંચમા મળે રહેતા હિરેન પારેખને ત્યાં પણ આવકવેરાના અધિકારીઓ પહોંચ્યા હતા. આ સિવાય એટલાન્ટિસમાં જ આઠમા માળે રહેતા ભાસ્કર પારેખને ત્યાં પણ તપાસ આદરી હતી. આ ઉપરાંત રાધિકા જ્વેલર્સવાળા અશોકભાઈ બાબરાવાળા અને હરેશ બાબરાવાળાને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. એટલાન્ટિસના ફ્લેટની સાથે પંચવટી નજીક આવેલા ફ્લેટમાં પણ એક ઇન્કવાયરી ચાલી રહી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ હતું. આ સાથે રાધિકા જ્વેલર્સના કલકત્તા ખાતે આવેલા જ્વેલર્સમાં પણ તપાસ ચાલી રહી હોવાના સંકેત મળ્યા હતા. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે