રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 9 માર્ચ 2017 (15:47 IST)

મહેસાણાના દાનેશ્વરી ભિક્ષુકને પ્લેનમાં બેસાડી ચેન્નાઇ લઇ જઇને એવોર્ડ અપાયો

મહેસાણામાં જુદાજુદા મંદિરોની બહાર ઊભા રહીને ભિક્ષામાં મળેલા પૈસામાંથી જરૃરિયાતમંદ અને ખાસ કરીને શિક્ષણ માટે દાન આપતા એક ભિક્ષુકને એક સંસ્થાએ એવોર્ડ આપી સન્માનિત કર્યા છે. નવાઇની વાત તો એ છે કે, આ દાનેશ્વરી ભિક્ષુકને પ્લેનમાં બેસાડી ચેન્નાઇ લઇ જઇને એવોર્ડ પણ અપાયો હતો. તમે કદાચ દેશ-દુનિયામાં દાનવીરો તો ઘણા જોયા હશે, પરંતુ મહેસાણાના આ અલગારી દિવ્યાંગ ભિક્ષુકની વાત જ નિરાળી બની રહી છે.

મહેસાણાના દાનેશ્વરી દિવ્યાંગ ભિક્ષુક એવા ખીમજીભાઇ પ્રજાપતિને તેમની શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ રોટરી ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા ‘રોટરી ઇન્ડિયા લિટરસી હીરો’ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ચેન્નાઇમાં ગયા શુક્રવારે એવોર્ડ ફંક્શનમાં આ ભિક્ષુકનું વિશેષ સન્માન કરીને તેમને એક લાખ રૃપિયાનો ચેક પણ અર્પણ કરાયો હતો. ખીમજીભાઈને ખાસિયત એ છે કે, તેઓ જુદાજુદા મંદિરની બહાર ઊભા રહીને ભિક્ષામાં મળેલા રૃપિયામાંથી સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરીઓને પુસ્તકો, નોટબૂક અને યુનિફોર્મ સહિતની ચીજવસ્તુઓ લાવી આપતા હોય છે. અન્ય જરૃરિયાતમંદોની સેવા પણ કરતા હોય છે. ભારતમાં તેમ જ વિશ્વમાં સંભવિત આ પહેલી ઘટના બની હશે કે, જેમાં એક ભિક્ષુકને સોશિયલ કોઝ માટે એવોર્ડ એનાયત થયો હોય. ચેન્નાઇ ખાતે યોજાયેલા સમારોહમાં આશરે ૨૦૦૦ જેટલા મહાનુભાવો વચ્ચે આ ભિક્ષુકનું સન્માન કરાયું હતું. રોટરી ઇન્ડિયા લિટરસી મિશન અંતર્ગત સમાજમાં શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર કામ કરતી હોય એવી વ્યક્તિઓનું સન્માન કરાતું હોય છે. દરમિયાન મહેસાણાના આ ભિક્ષુકનું પણ આ કાર્ય માટે નોમિનેશન કરાવાયું હતું. બાદમાં પાંચ સભ્યોની જ્યુરીએ આ ભિક્ષુકના અનોખા કાર્યની પસંદગી કરી હતી. બાદમાં આ ભિક્ષુકને એવોર્ડ માટે પ્લેનમાં ચેન્નાઈ લઇ જવા હતા, અને પાછા લવાયા હતા. તેઓ કોઇ દિવસ પ્લેનમાં બેઠા ન હતા. દરમિયાન તેઓને ત્યાં ફાઇવસ્ટાર હોટેલમાં ઉતારો પણ અપાયો હતો. મહેસાણાથી આ ભિક્ષુકની સાથે સાર સંભાળ માટે એક કેરટેકર પણ રખાયો હતો.


ખિમજી પ્રજાપતિએ ફેબ્રુઆરી 2016માં મેહસાનાના માગપરા ગામમા સ્થિત આંગનવાડી શાળામાં અભ્યાસ કરતી 10 બાળકીઓને સોનના કુંડલ આપ્યા હતા. પ્રજાપતિ આ જ વિસ્તારના આવેલ જૈન મંદિર બહાર ભીખ માંગીને પૈસા એકત્ર કર્યા અને આ પૈસાથી પ્રજાપતિએ બાળકીઓને સોનાના કુંડલ આપ્યા.  
 
એક છાપાની રિપોર્ટ મુજબ પ્રજાપતિનુ કહેવુ છે કે તેમની એકમાત્રા આશા એ છે કે બાળકો ભણે. યુવાપેઢી વધુ સશક્ત બને અને બધા ખુશ રહે. આ આશાને પૂરી કરવા માટે પ્રજાપતિ ગામે ગામ ફરે છે અને ગરીબ લોકોને શોધ્યા કરે છે. જો તેમને કોઈ ગરીબ મળે તો તે ખુલ્લા હાથે તેમની મદદ કરે છે. પ્રજાપતિનુ કહેવુ છે કે તેમને તાજેતરમાં જ 12 યુવતીઓને શાળાના યુનિફોર્મ આપ્યા. આ પહેલા તેમને 3-4 યુવતીઓનુ કન્યાદાન કર્યુ હતુ.