1લી નવેમ્બરથી ગુજરાતમાં ટ્રાફિકના આ નવા નિયમોમાં આપવામાં આવશે છૂટછાટ
આગામી 1લી નવેમ્બરથી ગુજરાતમાં એકવાર પુનઃ ટ્રાફિક ના નવા નિયમોનું કડક અમલીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે બીજી બાજુ સુરત, અમદાવાદ, રાજકોટ સહિતના નાના-મોટા અનેક શહેરોમાં હજુ પણ લોકોને પૂરતા પ્રમાણમાં લાયસન્સ ઉપલબ્ધ થયા નથી. લાયસન્સ મેળવવા માટે લોકોને લાંબીકતારોમાં ઉભું રહેવું પડે છે. તેમ છતા પણ વેઇટિંગ લીસ્ટમાં આવે છે તો બીજી બાજુ એચએસઆરપી નંબર પ્લેટ પણ હજુ લગાવવાની બાકી છે, ત્યારે સરકાર દ્વારા 1લી નવેમ્બરથી ટ્રાફિકના કયા કયા નિયમોને અમલમાં બનાવવામાં આવશે તે અંગે અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. 1 નવેમ્બરથી ગુજરાતમાં અમલી બનનાર ટ્રાફિક ના નવા નિયમો ને લઈને એક ન્યુઝ હાઉસ દ્વારા વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુ સાથે ટેલીફોનીક વાતચીત કરતા એવું જાણવા મળ્યું હતું કે કદાચ આગામી 1 નવેમ્બરના દિવસે ગુજરાતમાં ટ્રાફિકના બધા નિયમોનો અમલ શક્ય નથી.સરકારને મળતાં સૂચનોને ધ્યાનમાં લઇને હજુ પણ સરકાર લાઇસન્સ અને એચ.એસ.આર.પી ની બાબતમાં છૂટછાટ આપી શકે છે એવું તેમની વાતચીત પરથી પરોક્ષ રીતે જાણવા મળ્યું હતું. વાહન વ્યવહાર મંત્રીએ મીડિયાને એવું જણાવ્યું હતું કે સરકારને જુદા જુદા સૂચનો પ્રાપ્ત થઈ રહ્યા છે, ત્યારે આ સૂચનોને ધ્યાનમાં લઈને 1 નવેમ્બરથી ટ્રાફિકના નિયમોને અમલી બનાવવાનો નિર્ણય લેવામાં આવશે.પ્રાપ્ત મીડિયા અહેવાલો મુજબ, સુભાષબ્રિજ RTOમાં 2018 કરતા 2019માં લાઇસન્સના 50 હજાર અરજદારો વધ્યા પણ પાસિંગનો રેશિયો 3 લાખ રહ્યો છે. 2019માં અંદાજે 3.54 લાખ અરજદારોએ અરજી કરી હતી. જેમાંથી 54 હજાર નાપાસ થયા હતાં.