ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 નવેમ્બર 2019 (12:26 IST)

મુખ્ય સચિવપદ કોના શિરે ? રૂપાણી સરકારમાં કવાયત શરૂ

ગુજરાતમાં નવેમ્બર માસના અંતે સનદી અધિકારીઓની ઉથલપાથલ થશે. સાથે સાથે મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘનો એક્સ્ટેન્શનો કાર્યકાળ પૂર્ણ થશે તે જોતાં હવે નવા મુખ્ય સચિવપદે કોની નિયુક્તિ થશે તે મુદ્દો સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહત્વપૂર્ણ વાત એછેકે, મુખ્ય સચિવપદના દાવેદાર ગણાતાં સિનિયર અધિકારીઓ નિવૃતના આરે છે તે જોતાં રૂપાણી સરકાર કોને મુખ્ય સચિવની જવાબદારી સોંપે છે તેના પર સૌની નજર મંડાઇ છે.જોકે, સિનિયોરિટીના ધોરણે અરવંદ અગ્રવાલ ઉપરાંત અનિલ મુકિમનુ નામ ટોપ પર ચાલી રહ્યુ છે.આ બધીય અટકળો વચ્ચે ૩૦મીની સાંજ સુધીમાં આ મુદ્દા પરથી પરદો ઉંચકાઇ જશે.

ગુજરાતમાં  આગામી ડિસેમ્બર માસમાં વહીવટી તંત્રમાં બઢતી-બદલીનો દોર આવે તેવી સંભાવના છે. પાટનગર ગાંધીનગરમાં આજે મળેી કેબિનેટની બેઠક મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ માટેની આખરી બેઠક હતી. ૩૦મી નવેમ્બરે તેઓ નિવૃત થશે. હવે મુખ્ય સચિવ પદ માટે સિનિયોરિટીની દ્રષ્ટિએ અરવિંદ અગ્રવાલ ટોપ પર છે પણ જીપીસીબીમાં પ્રમોશનને લઇને થયેલો વિવાદ તેમને નડી શકે છે.આ ઉપરાંત ૧૯૮૫ બેચના આઇએએસ સુજીત ગુલાટી,પ્રેમકુમાર ગેરાને નિવૃતના આડે હવે થોડાક મહિના જ બાકી છે. એટલે તેમના માટે મુખ્ય સચિવપદ મળવુ મુશ્કેલ છે. ત્યારબાદ અનિલ મુકિમનુ નામ હરોળમાં છે.તેઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે એટલે તેઓ ગુજરાતમાં પાછા બોલાવાય તેવી શક્યતા જોવાઇ રહી છે. 

આ ઉપરાંત આઇએએસ દિનાનાથ પાંડે નિવૃતના આરે છે. અતુનુ ચક્રવર્તી પણ કેન્દ્રમાં છે. કૃષિ સચિવ પૂનમચંદ પરમારને પણ નિવૃતિના આડે થોડાક જ મહિના બાકી છે. આ બધાય આઇએએસ અધિકારીઓને મુખ્ય સચિવપદે નિયુક્તિ થાય તેવી સંભાવના ઓછી છે. અત્યારે ગૃહવિભાગની કમાન સંભાળતા સંગીતાસિંઘ પણ મુખ્યસચિવની રેસમાં છે. મહેસૂલ સચિવ પંકજકુમાર રૂપાણી સરકારની ગુડબુકમાં છે એટલે તેમનુ નામ મોખરે બોલાઇ રહ્યુ છે. છેલ્લે ગુરુપ્રસાદ મહાપાત્રાનુ નામ ચાલી રહ્યુ છે.જેઓ અત્યારે કેન્દ્રમાં છે.

જાણકારોનુ કહેવુ છેકે, જો પંકજ કુમાર અથવા સંગીતાસિંઘને  મુખ્ય સચિવપદે નિયુક્તિ કરવામાં આવે તો ચારથી વધુ સિનિયર આઇએએસને સુપરસીડ કરાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યાં છે. આ વખતે આવુ થવાની શક્યતા જોવાઇ રહી છે. આમ, અત્યારે તો રૂપાણી સરકારમાં મુખ્ય સચિવની પસંદગી પર કળશ ઢોળવા કશ્મકશ ચાલી રહી છે.૩૦મી સાંજ સુધીમાં આ મુદ્દા પર પૂર્ણવિરામ મૂકાઇ જશે.