સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 જૂન 2017 (14:34 IST)

ગુજરાતના મહાનગરોમાં હવે ઊંચી ઈમારતો બાંધવાનો માર્ગ મોકળો, GDCR લાગુ કરાયો

ગુજરાતમાં હવે અમદાવાદ જ નહીં, પરંતુ અન્ય મોટા શહેરોમાં ઊંચી ઈમારતો બાંધી શકાશે.  રૂપાણી સરકારે સોમવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઇ સમગ્ર રાજ્ય માટે સમાન GDCR (જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ)નો કાયદો લાગુ કર્યો છે, તેના પગલે ગાંધીનગર પાટનગર વિસ્તાર સિવાયના આઠ મહાનગરો, 117 નગરપાલિકા વિસ્તારો તેમજ ઔદ્યોગિક વસાહત વિસ્તારોમાં જાહેર માર્ગોની પહોળાઇના આધારે વર્તમાન ઊંચાઇ કરતાં વધારે ઊંચા મકાનો, ઇમારતો, વસાહતોના મકાનો બનાવવાની મંજૂરી મળશે અને તેના માટેની સમગ્ર પ્રક્રિયા પારદર્શક, સરળ બનશે, તેમ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું. પટેલે જણાવ્યું કે, અત્યાર સુધી રાજ્યમાં અલગ અલગ મહાનગરો, નગરો માટે જુદા જુદા GDCR અમલી હતા. અમદાવાદ મહાનગરપાલિકા અને સ્થાનિક સત્તામંડળ વિસ્તારના GDCR મોડેલ ગણાય છે તેના આધારે બાકીના શહેરી વિસ્તારોમાં GDCR બનાવાયા છે. આમ છતાં અમદાવાદ મહાનગર અને સ્થાનિક સત્તામંડળ વિસ્તારની જેમ ગગનચુંબી ઇમારતો બનાવવા માટે બીજા શહેરોમાંથી માગણીઓ આવતી હતી. શહેરોનો વ્યાપ પણ વધ્યો છે એ સંજોગોમાં જમીન ઓછી હોવાથી અમદાવાદ જેવો લાભ અન્ય શહેરોને મળે એ ગણતરીથી સરકારે કોમન GDCR તૈયાર કરી નોટિફિકેશન બહાર પાડી લાગુ કરી દીધો છે. આ કોમન GDCRમાં બાંધકામ, બાંધકામને લગતી વિવિધ મંજૂરીઓ, તેની સમય મર્યાદા નક્કી કરી દેવાઇ છે એટલે કોઇપણ વ્યક્તિ એ મુજબ અરજી કરી મંજૂરી મેળવી શકશે. અલબત્ત, આને કારણે હાલ 1.8 એફએસઆઇ સુધી બાંધકામ માટે નાગરિકે કોઇ ચાર્જ ચૂકવવાનો નથી. 0.9 સુધીની વધારાની એફએસઆઇ માટે જંત્રીના 40 ટકા લેખે પ્રીમિયમ ચૂકવીને નાગરિક મકાન ખરીદી શકશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ગાંધીનગર મહાનગર તથા ગાંધીનગર સ્થાનિક સત્તામંડળ વિસ્તાર માટે તાજેતરમાં જ નવો GDCR લાગુ કર્યો છે. જેથી  અહીં કોમન GDCR લાગુ પડશે નહીં. આ જ રીતે સાબરમતી રિવરફ્રન્ટ માટે પણ અલગથી GDCR છે આ સિવાય ઔદ્યોગિક વસાહતો પણ આ કોમન GDCRનો લાભ મેળવી પોતાના મકાનોની ઊંચાઇ વધારી શકશે. અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગરો અને તેના સત્તામંડળ વિસ્તારોમાં માં 12થી 18 મીટરના પહોળા માર્ગ ઉપર 25 મીટર સુધી, 18થી 40 મીટર સુધીના પહોળા માર્ગ ઉપર 45 મીટર અને 40 મીટરથી વધારે પહોળા માર્ગ ઉપર 70 મીટર એટલે કે 22 માળ સુધીની ઇમારતો બનાવી શકાશે. ભૂકંપગ્રસ્ત કચ્છ જિલ્લાના શહેરો માટે કોમન GDCRમાં કેટલીક અલગથી જોગવાઇ કરવામાં આવી છે. ભૂજ, ભચાઉ, અંજાર, રાપર, માંડવી, ગાંધીધામ જેવા શહેરોમાં 10 મીટરથી વધારે ઊંચાઇના મકાનોને મંજૂરી અપાશે નહીં, તેવી સ્પષ્ટતા  નીતિન પટેલે કરી હતી. આ જ રીતે 162 નગરપાલિકામાંથી 45 પાલિકાનો ડેવલપમેન્ટ પ્લાન (ડીપી) કે ઓથોરિટી બની ન હોવાથી ત્યાં કોમન GDCR લાગુ પડશે નહીં. આ સિવાયની પાલિકામાં વસતિના આધારે ગ્રેડ અપાયા છે એ મુજબ એ અને બી ગ્રેડની પાલિકાને 30 મીટર તેમજ બી અને સી ગ્રેડની પાલિકાને 16.5 મીટર સુધીની ઊંચાઇને મંજૂરી મળશે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવતા રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ મહાનગર તથા સત્તામંડળ વિસ્તારોમાં અન્ય મહાનગરો કરતાં પ્રમાણમાં નાના માર્ગો છે. વર્તમાન સ્થિતિમાં ઇમારતો તોડી તેને પહોળા કરી શકાય તેમ નથી. આ સંજોગોમાં શહેરી વિકાસ વિભાગે સૌરાષ્ટ્રની લાગણી ધ્યાને લઇ થોડીક એફએસઆઇ વધારે મળે એવો પ્રયાસ કર્યો છે. એટલે 12 મીટર કે તેથી ઓછી પહોળાઇના માર્ગો ઉપર 15 મીટર સુધીના બાંધકામને મંજૂરી મળશે. જ્યારે 12થી 18 મીટર પહોળા માર્ગ ઉપર 25 મીટર તેમજ બાકીની પહોળાઇ માટે મોટા મહાનગરોની જેમ મંજૂરી મળશે.