સમગ્ર દેશની સરખામણીએ ગુજરાતમાં ખ્રિસ્તીઓ, મુસ્લિમોમાં છૂટાછેડાનું સૌથી વધુ પ્રમાણ
મતભેદ અને મનભેદને કારણે લગ્નજીવનનો અકાળે અંત આવી જતો હોય છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ૧ હજારની વસતીએ સરેરાશ ૬ લોકો છૂટાછેડા લે છે. ગુજરાતમાંથી ખાસ કરીને મુસ્લિમો અને ક્રિશ્ચિયનોમાં છૂટાછેડા લેવાનું પ્રમાણ ખૂબ જ વધારે છે. પ્રત્યેક ૧ હજારની વસતિએ ૧૦ મુસ્લિમ મહિલા અને ૮ ક્રિશ્ચિયન મહિલા ડિવોર્સી છે. ૨૦૧૧ની વસતિ ગણતરી બાદ આ આંકડો સામે આવ્યો છે. આશ્ચર્યજનક રીતે ગુજરાતના મુસ્લિમોમાં પુરુષો કરતા છૂટાછેડા લીધેલી મહિલાઓનું પ્રમાણ વધારે છે.
વસતિ ગણતરીના અહેવાલ અનુસાર પ્રત્યેક ૧ હજાર લોકોએ ૧૦ મુસ્લિમ મહિલા અને પાંચ મુસ્લિમ પુરુષે છૂટાછેડા લીધેલા છે. અન્ય સંપ્રદાયમાં પુરુષ અને મહિલાએ છૂટાછેડા લીધા હોય તેનું આટલું ઊંચુ પ્રમાણ નથી. ગુજરાતમાં છૂટાછેડાનું પ્રમાણ ૬.૨૮% છે. મતલબ કે, ૧ હજારમાંથી ૬.૨૮ લોકો છૂટાછેડા લઇ ચૂક્યા છે. આ ઉપરાંત હવે અમદાવાદ શહેરમાં પણ છૂટાછેડાનું પ્રમાણ ધીરે ધીરે વધવા લાગ્યું છે. અમદાવાદ ફેમિલી કોર્ટમાં ૨૦૧૬ના વર્ષમાં છૂટાછેડાના ૨૯૯૧ કેસ નોંધાયા હતા. આ પ્રમાણ ૨૦૧૧ના વર્ષમાં માત્ર ૧૯૨૪ હતું. આ અંગે તજજ્ઞાોનું માનવું છે કે અદ્યતન જીવનશૈલીને લીધે દંપતિઓમાં સહનશક્તિનું પ્રમાણ ખૂબ જ ઓછું થઇ રહ્યું છે. પતિ કે પત્ની કોઇ પણ પોતાનો અહમ છોડવા તૈયાર નથી અને જેના કારણે આખો મામલો છેવટે ડિવોર્સ સુધી પહોંચી જાય છે. ડિવોર્સના કેસનું આ વધતું પ્રમાણ તંદુરસ્ત સમાજની નિશાની નથી. મોટાભાગના કિસ્સાઓમાં ડિવોર્સ પાછળ કોઇ નાનું કારણ જવાબદાર હોય છે.છૂટાછેડાના સૌથી વધુ કેસ નોંધાતા હોય તેવા રાજ્યોમાં કેરળ મોખરે છે. કેરળની ફેમિલી કોર્ટમાં ડિવોર્સના ૫૨ હજારથી વધુ કેસ પેન્ડિંગ છે. ડિવોર્સના સૌથી વધુ કેસ પેન્ડિંગ હોય તેમાં બિહાર બીજા સ્થાને છે.