બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 સપ્ટેમ્બર 2017 (17:32 IST)

કોંગ્રેસ હવે ઓલ આઉટ થશે ? સાગર રાયકાનું નવી રચાયેલ પીઇસીમાંથી રાજીનામુ

પ્રદેશ કોંગ્રેસમાં રાજકીય ધડાકા-ભડાકા ચાલુ જ છે. રાજયસભાના પુર્વ સભ્ય અને પક્ષના સીનીયર નેતા સાગર રાયકાએ આજે નવરચિત પ્રદેશ ઇલેકશન કમીટી (પીઇસી)માંથી રાજીનામુ આપીને ગુજરાત પ્રદેશ પ્રમુખ અને પુર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી સામે ગંભીર આરોપો મુકતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મહેસાણાના વરિષ્ઠ એવા સાગર રાયકા (ઉ.વ.૬૪) તામીલનાડુ, આંધ્ર, બિહાર, ઝારખંડ, બંગાળ સહિતના રાજયોમાં પક્ષના ઇન્ચાર્જ કે કો-ઇન્ચાર્જ રહી ચુકયા છે તેમણે ભરતસિંહ સોલંકી સામે ગંભીર પ્રકારના આરોપો મુકયા છે અને કહ્યુ છે કે કોંગ્રેસમાંથી પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિત ૧૪ ધારાસભ્યોના રાજીનામા બાદ પણ પક્ષમાં ઓલ ઇઝ નોટ વેલ જેવી સ્થિતિ છે. સાગર રાયકાએ આજે જણાવ્યુ છે કે પીઇસીમાંથી મેં મારૂ રાજીનામુ રાષ્ટ્રીય પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધીને મોકલી આપ્યુ છે કારણ કે તેઓ જ એપોઇન્ટીંગ ઓથોરીટી છે. જો કે તેમણે કહ્યુ છે કે મેં પક્ષમાંથી રાજીનામુ નથી આપ્યુ. તાજેતરમાં આ કમીટીની રચના કરવામાં આવી હતી. જેમાં ભરતસિંહ પ્રમુખ છે. સાગર રાયકાએ જણાવ્યુ છે કે, ભરતસિંહ સોલંકી પક્ષના અનેક નેતાઓ કરતા ઘણા જુનીયર છે અને તેઓ કોઇપણને ગણકાર્યા વગર મનસ્વી રીતે નિર્ણયો લઇ રહ્યા છે. તાજેતરમાં તેમણે મનસ્વી રીતે ઉપપ્રમુખો, સેક્રેટરીઓ અને અન્યની એટલે કે ૭૦ થી ૮૦ નિમણુંકો કરી છે આટલુ જ નહી મીડીયા રિપોર્ટમાં તેમના ચારિત્ર્ય વિશે પણ આક્ષેપો થયા છે જે અમને સ્વીકાર્ય નથી. તેઓ જે રીતે કામ કરે છે તેનાથી મને સંતોષ નથી. તેમણે કહ્યુ છે કે, જિલ્લા પંચાયતોમાં કે જયાં પક્ષ શાસન કરે છે ત્યાં બેહિસાબ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે જેનાથી અમે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. પ્રદેશ પ્રમુખ તરીકે તેઓ મૌન બની તમાશો નિહાળી રહ્યા છે. આ સંજોગોમાં આવી રહેલી ચૂંટણીમાં લોકો સમક્ષ જતા અમોને ઘણી મુશ્કેલી પડવાની છે.