ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (16:50 IST)

ગાંધીનગર GIFT CITYમા આગ લાગતાં સમગ્ર એડમીન વિંગની ઓફિસ બળીને ખાખ થઇ ગઇ

ગાંધીનગરના ગિફ્ટ સિટીના જૂના બિલ્ડિંગમાં આજે ભીષણ આગ ભડકી હતી જેમાં સમગ્ર ઓફિસ બળીને ખાખ થઇ ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના ગિફ્ટ સિટી (GIFT CITY) માં આજે બપોરે 2:30 વાગ્યા આસપાસ જૂના બિલ્ડિંગ કે જેને એડમિન વિંગ તરીકે ઓળખવામાં આવે છે તેમાં આગ ભભૂકી હતી. ગણતરીને મિનિટોમાં જ આ આગે સમગ્ર ઓફિસને પોતાના પલેટામાં લઇ લીધી હતી.

આગની જાણ થતાં ગાંધીનગર અને અમદાવાદથી ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જો કે આગને ઓલવવામાં આવે ત્યા સુધીમાં ઓફિસમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની કે ઇજા થઇ નથી. પ્રાથમિક અહેવાલ અનુસાર આગ કેન્ટિન તરફના ભાગથી એડમિન વિંગ સુધી પહોંચી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી પરંતુ શોર્ટ સર્કિટ અથવા તો કેન્ટિન તરફ કોઈ એવી ઘટના બની હોય તેના કારણે આગ લાગી હોઇ શકે . ગીફ્ટ સિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે ત્યારે અહીં આગની ઘટનાથી સુરક્ષાને લઇને અનેક સવાલ ઉભા થયા છે. આગને પગલે પોલિસનો કાફલો પણ દોડી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગિફ્ટ સીટીની મુખ્ય ઇમારત સુરક્ષિત છે. જેમાં મોટી કોર્પોરેટ કંપનીઓની ઓફિસો આવેલી છે.