મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (15:02 IST)

ભાજપ સરકારના ઉત્સવો માટે એસટી બસોનું ભાડું રૂ. ૭૫.૪૨ કરોડ, ૨૦.૯૭ કરોડ એસટી નિગમને ચુકવવાના બાકી

ગત વર્ષે ગુજરાત વિધાનસભાની યોજાયેલી સામાન્ય ચૂંટણી પહેલા ભાજપ સરકારે બે વર્ષ દરમિયાન જુદા જુદા ઉત્સવો અને મેળાઓ સહિતના વિવિધ સરકારી કાર્યક્રમોમાં જનમેદની ભેગી કરવા માટે એસટી નિગમની બસો ભાડે લીધી હતી. આ બસોના ભાડા પેટે સરકારની તિજોરીમાંથી કુલ રૂપિયા ૭૫.૪૨ કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી ૨૦.૯૭ કરોડ એસટી નિગમને ચુકવવાના પણ બાકી છે. ગુજરાતની ભાજપ સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં વિવિધ સરકારી કાર્યક્રમો યોજવા સાથે મેળાઓ અને ઉત્સવો સહિતના કાર્યક્રમો યોજ્યાં હતા.

આ કાર્યક્રમોમાં જનમેદની ભેગી કરવા માટે રાજ્ય સરકારે એસટી નિગમની બસો ભાડે કરી પ્રજાના પૈસા ખર્ચ્યા છે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર તેમજ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સરકારે ભાડે કરેલી બસો અંગે પ્રશ્ન પૂછ્યા છે. જેના જવાબમાં વાહન વ્યવહાર મંત્રીએ લેખિતમાં જણાવ્યું છે કે, રાજ્યની ભાજપ સરકારે આવા કાર્યક્રમો માટે ભાડે લીધેલી એસટી નિગમની બસોના ભાડા પેટે છેલ્લા બે વર્ષમાં કુલ રૂપિયા ૭૫,૪૧,૯૬,૩૫૪ ચૂકવવાના થાય છે. જેમાં ૨૦૧૬નાં વર્ષમાં એસટી ભાડા પેટે ૧૮,૩૯,૪૦,૪૧૮ રૂપિયા ચૂકવવાના થાય છે. જ્યારે ૨૦૧૭ના વર્ષમાં ૫૭,૦૨,૫૫,૯૩૬ રૂપિયા ચૂકવવાના થાય છે. તેની સામે ભાજપ સરકારે ૨૦૧૬ના વર્ષમાં એસટી નિગમને ૧૫,૫૮,૭૯,૭૯૪ રૂપિયા ચૂકવ્યા છે. પરંતુ આજના દિવસે હજુ પણ ૨,૮૦,૬૦,૬૨૪ રૂપિયા ચૂકવવાના બાકી છે. એ જ રીતે સરકારે ૨૦૧૭ના વર્ષમાં માત્ર ૩૮,૮૫,૯૫,૭૬૫ રૂપિયા જ એસટી નિગમને આપ્યા છે. જ્યારે હજુ ૧૮,૧૬,૬૦,૧૭૧ રૂપિયાની ચુકવણી બાકી છે. સરકારે આ અંગે બચાવ કરતા જણાવ્યું છે કે, જુદી જુદી કચેરીઓ પાસેથી આ બાકી રકમ એસટી નિગમે લેવાની થાય છે.