1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (15:09 IST)

આજે ગુજરાતના ઈન્ચાર્જ DGP પ્રમોદ કુમાર નિવૃત્ત થશે, જાણો કોણ સંભાળશે આ પદ

રાજયના ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમાર આજે નિવૃત્ત થઇ રહ્યા છે. તેથી હવે નવા કાયમી ડીજીપી તરીકે રાજય સરકાર દ્વારા કોના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે તેની ચર્ચાઓ થઈ રહી છે.   આ પહેલા રાજ્યના સૌથી છેલ્લા ફૂલ ટાઇમ પોલીસવડા પી.સી. ઠાકુર હતા. એપ્રીલ 2016માં તેમનું ટ્રાન્સફર થતા પાછલા બે વર્ષથી રાજ્યમાં ઇન્ચાર્જ DGP આ હોદ્દો સંભાળી રહ્યા છે.ત્યારે ગુજરાત હાઇકોર્ટે પણ થોડા દિવસો પહેલા રાજ્યમાં આઠ સપ્તાહમાં કાયમી ડીજીપીની નિમણૂંક અંગે સરકારને આદેશ કર્યો હતો.

રાજ્ય સરકારને આપવામાં આવેલ આ મેહલત આ મહિનાની શરુઆતમાં જ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે કાયમી ડીજીપીની નિમણૂંક અંગે સરકાર પણ સક્રિય થઈ છે અને રાજ્યમાં વિભાગીય પ્રમોશન કમિટીની બેઠક મળી હતી.ચીફ સેક્રેટરી જે.એન. સિંહના વડપણ હેઠળ બનેલી વિભાગીય પ્રમોશન કમિટીએ મંગળવારે ત્રણ નામ કાયમી ડીજીપી અંગે આગળ વધાર્યા હતા. શિવાનંદ ઝા, વિપુલ વિજોય જ્યારે ત્રીજુ નામ તિર્થ રાજ. સૂત્રો મુજબ જે પૈકી 1983 બેચના આઇપીએસ અધિકારી શિવાનંદ ઝાનું નામ મોખરે ચાલી રહ્યું છે.રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવા ઉપરાંત અન્ય પણ મહત્વપૂર્ણ ફેક્ટર્સને ધ્યાને રાખી રાજ્ય સરકાર નવા DGP અંગે આજે જાહેરાત કરી શકે છે. આવનારી લોકસભા ચૂંટણીનું ફેક્ટર પણ આ નિમણૂંકમાં મુખ્ય ભાગ ભજવી શકે છે. નવ નિયુક્ત પોલીસવડાએ રાજ્યમાં કાયદો વ્યવસ્થા ઉપરાંત તાજેતરમાં બનેલા પોલીસ અધિકારીઓની સંડોવણી ધરાવતા વિવાદિત બનાવો અંગે પણ પગલા ભરવા પડશે.તેમજ નવા DGP 28 ફેબ્રુઆરી એ જ જવાબદારી સંભાળી લેશે કે પછી હોળીના તહેવારો પૂર્ણ થવા સુધી રાહ જોશે તે અંગે પણ પોલીસ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે મનોજ ઝા પાસે ભૂતકાળમાં ત્રણવાર કેરટેકર DGP તરીકેનો ચાર્જ રહ્યો છે.