ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 માર્ચ 2018 (12:24 IST)

યુવતીના વાળ, કાન અને અંગૂઠો કાપી નાખ્યા ! પ્રેમપ્રકરણનો અંજામ

બોટાદ જિલ્લાની એક યુવતીનો રહસ્યમય ચર્ચાસ્પદ કિસ્સો બહાર આવ્યો છે. જેમાં કૉલેજમાં ભણતી ૨૨ વર્ષની વિદ્યાર્થિનીનું ગઇકાલે કારમાં આવેલા અજાણ્યા યુવકોએ અપહરણ કરીને તીક્ષ્ણ હથિયારથી ક્રૂરતા પૂર્વક હુમલો કરીને ચહેરા પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમ જ તેના માથાના વાળ મૂળથી ચામડી સાથે ઉખાડી નાખ્યા હતા, એટલું જ નહીં કાન અને હાથનો અંગૂઠો કાપી નાંખી યુવતીને લોહી લુહાણ હાલતમાં ગઢડા બોટાદ હાઈવે પર ફેંકી દઈને આરોપીઓ ફરાર થઇ ગયા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.બીજીતરફ ગઢડા પોલીસ પ્રેમ પ્રકરણ હોવાની વાત કરીને પ્રેમી સાથે કૂવામાં ઉતરી હતી અને અકસ્માતે મશીનમાં શરીર આવી જતાં ઘટના બની હોવાનું જણાવી રહી છે.

આજની ઘટના સોશિયલ મિડિયામાં વાઇરલ થતાં ગુજરાતભરમાં ભારે ચર્ચા જગાવી હતી. પ્રાપ્ત માહીતી મુજબ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધાર ગામમાં રહેતી વિલાસબહેન ગોવિંદભાઇ વાઘેલા નામની યુવતી ગઇકાલે કોલજથી ઘરે પરત જઇ રહી હતી ત્યારે કારમાં આવેલા ચાર શખ્સોએ યુવતીનું અપહરણ કર્યું હતું, અને માથાના વાળ ચામડી સાથે મૂળમાંથી ઉખાડી કાઢ્યા હતા તથા હાથનો અંગૂઠો તેમજ કાન કાપીને લોહી લુહાણ હાલતમાં યુવતીને રસ્તામાં ફેંકીને આરોપીઓ નાસી ગયા હતા. યુવતીના પરિવારના સભ્યને જાણ થતાં તેણીને ભાવનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. ્ત્યારબાદ ગઇકાલે રાત્રે વધુ સારવાર માટે અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનો પરિવારજનોએ જણાવ્યું હતું. આ આખીય વાત સોશિયલ મિડિયામાં વહેતી થઇ હતી અને તેનાથી આખો દિવસ ચર્ચા ચાલી હતી. તે પછી ગઢડા પોલીસ અમદાવાદ આવી પહોંચી હતી. ગઢડા પોલીસના જણાવ્યા મુજબ ઇજાગ્રસ્ત યુવતી પોતાના પ્રેમીને મળવા માટે સાળંગપરડા રોડ ઉપર એક જગ્યાએ ગઇ હતી. ત્યાં બાજુમાં આવેલા કૂવામાં ઉતરવા માટે જીદ કરતા પ્રેમી સાથે કૂવામાં ઉતરી હતી, કૂવો ઉંડો કરવાની કામગીરી ચાલતી હતી, જ્યાં મશીનમાં યુવતીનું માથુ આવી જતાં આ ઘટના બની હતી. જો કે આ કિસ્સામાં ખરેખર અકસ્માતે આ ઘટના બની કે પછી યુવતી સાથે હેવાનીયત ભર્યું કૃત્ય આચરવામાં આવ્યુ તે અંગે રહસ્ય ઘુંટાઇ રહ્યું છે ગઢડા પોલીસે અમદાવાદ આવીને વધુ તપાસ હાથ ધરી છે.