શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 માર્ચ 2021 (10:58 IST)

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ઔદ્યોગિક એકમોમાં થયેલા અકસ્માતોને કારણે 277 કામદારોના મોત થયા

ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં બેદરકારીને કારણે અનેક વખત ગંભીર અકસ્માતો સર્જાઈ ચૂક્યાં છે. રાજ્યમાં 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ઔદ્યોગિક એકમોમાં બેદરકારી કે અકસ્માતના કારણે 277 કામદારોના મોત થયાં છે. ગુજરાત વિધાનસભામાં મંગળવારે શ્રમ અને રોજગાર મંત્રીએ કોંગ્રેસના ધારાસભ્યોના સવાલના જવાબમાં માહિતી પુરી પાડી હતી. સૌથી વધુ મોત ભરૂચ જિલ્લામાં 95, એ પછી અમદાવાદ જિલ્લામાં 61 અને વલસાડ જિલ્લામાં 38 મોતની ઘટનાઓ નોંધાઈ છે. 

શ્રમજીવીઓના મોતની ઘટના બાદ તેમના વારસોને વળતર આપવા અંગે સરકારે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોઈ વળતર ચુકવાયું નથી પરંતુ અકસ્માત મોતના કિસ્સામાં મૃત્યુ પામનાર કામદારના વારસોને ઈએસઆઈ એક્ટ હેઠળ વળતર અપાય છે. બેદરકાર એકમો સામે ફોજદારી કેસ કરવામા આવે છે. ઔદ્યોગિક એકમોમાં બેદરકારીને કારણે થયેલા અકસ્માતોમાં માત્ર ભરુચ જિલ્લામાં જ 38 એકમો સામે 40 ફોજદારી કેસો દાખલ કરવામાં આવ્યાં છે. ઔદ્યોગિક એકમોમાં આગની ઘટનાઓ બને છે અને તેમાં કામ કરનારા મજુરોના મોત થાય છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા બે વર્ષમાં ઔદ્યોગિક એકમોમાં આગની 26 ઘટનાઓ બની હતી. જેમાં 15 લોકોના મોત નિપજ્યાં હતાં અને 12 કામદારો ઘાયલ થયાં હતાં. આગ લાગવાના કારણોમાં શોર્ટ સર્કિટ, હટ મેટલ લેટિંગ વગેરે હોવાનું સરકારનું કહેવું છે. આવી બાબતોમાં બેદરકારી દાખવવા બદલ 6 કારખાના સામે કારખાના ધારા હેઠળ પ્રતિબંધાત્મક હૂકમો પણ કરવામાં આવ્યાં છે.