ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 મે 2021 (16:49 IST)

તાઉ-તે વાવાઝોડા અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૧૮ સિંહો ગુમ થયા અંગે વન વિભાગની સ્પષ્ટતા

રાજ્યમાં તાજેતરમાં આવેલા તાઉ-તે વાવાઝોડા અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૧૮ સિંહો ગુમ થયા અંગે વન વિભાગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ગીર અને બૃહદગીરના તમામ સિંહો સલામત છે. આ વિસ્તારના એક પણ સિંહનું મોત થયુ નથી કે કોઈ પણ પ્રકારનું નુક્સાન થયુ નથી. વન વિભાગ દ્વારા સિંહોની સલામતી માટે સતત કાળજી લેવામાં આવી રહી છે તેનું મોનીટરીંગ કરવામાં આવી રહેલું છે. અને સિંહોની સુરક્ષા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે તેમ જુનાગઢ વન્યપ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી ડી. ટી.વસાવડા દ્વારા જણાવાયું છે. 
 
આજે ૧૮ જેટલાં સિંહો ગુમ થયેલ હોવાના સમાચારો મીડીયામાં પ્રસારીત થયા છે તે અંગે વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે,  સૌરાષ્ટ્રનો માંગરોળથી લઈ મહુવા, તળાજા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોએ પોતાનું રહેઠાણ બનાવ્યું છે અને અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ તથા ભાવનગર જીલ્લામાં સિંહો વસે છે. વાવાઝોડાની ચેતવણી મળતાં જ દરિયા કાંઠે વસતા સિંહો સહીત તમામ સિંહોની સલામતી માટે પગલા લેવામાં આવ્યા હતાં અને આ સિંહોનું સતત મોનીટરીંગ કરાયું હતું. આ મોનીટરીંગ દરમિયાન રાજુલા વિસ્તારના સિંહો દરિયાથી દુર સલામત સ્થળે જાતે જ ખસી ગયા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. રાજુલા, જાફરાબાદ, ઉના, કોડીનાર કે મહુવા તાલુકાના દરિયા કાંઠાના વિસ્તારોમાંથી એક પણ સિંહ ગુમ થયાનું જણાયું નથી કે આવા કોઈ અહેવાલો પ્રાપ્ત થયા નથી.