ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (10:01 IST)

નીતિન પટેલે કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો, બીજી લહેર દરમિયાન કોરોનાની સારવાર માટે પરિવર્તિત કરાયેલી હોસ્પિટલો ફરી શરૂ કરાઇ

નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે રાજ્યભરમાં કોરોના રસીકરણની કામગીરી સુપેરે ચાલી રહી હોવાનું જણાવ્યું નાગરિકોમાં કોરોના રસીકરણ માટે ઉત્સાહ જોવા મળી રહ્યો હોવાનું કહ્યું હતું. તેઓએ એમ પણ કહ્યું કે, રાજ્યમાં દરરોજ 6 લાખ થી વધુ વ્યક્તિઓ કોરોના રસીકરણનો લાભ મેળવી રહ્યા છે. આ વાત તેઓએ અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં જ્યારે કોરોનાની રસીનો બીજો ડોઝ લેવા પહોંચ્યા ત્યારે મીડિયાના પ્રતિનિધિઓ સાથેના સંવાદમાં કહી હતી. 
 
તેઓએ ગૌરવભેર જણાવ્યું કે, રાજ્યના 4 કરોડથી વધુ નાગરિકો કોરોનાની રસીનો પ્રથમ અથવા બીજો ડોઝ મેળવી ચૂક્યા છે જેના આધારે ગુજરાત રાજ્ય કોરોના રસીકરણમાં પ્રતિ મિલિયન અને વસ્તિની દ્રષ્ટિએ દેશમાં મોખરે રહ્યું છે. 
 
કોરોના રસીકરણ સાથે સંકળાયેલા તમામ મેડીકલ અને પેરામેડિકલ સ્ટાફમિત્રોને આ અનેરી સિધ્ધિ માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યભરમાં 2500 થી વધુ કોરોના રસીકરણ કેન્દ્રો પર મેડીકલ અને પેરામેડીકલ દ્વારા કોરોના રસીકરણની કામગીરીને વ્યાપક બનાવવામાં આવી છે. સમગ્રતયા સંચાલન સુપેરે કરીને આ સિધ્ધી પ્રાપ્ત થઇ છે.
 
કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે કોરોના રસીકરણના માટેના વધુમાં વધુ જથ્થો ગુજરાત રાજ્યને પુરતો પાડીને રાજ્યના કોરોના રસીકરણ અભિયાનને વ્યાપક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાનો પણ આ પ્રસંગે આભાર વ્યક્ત કર્યો હતો.
 
હાલ આરોગ્ય વિભાગ પાસે 13 લાખ જેટલા કોરોનાની રસીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, આજે પણ 6 લાખ જેટલા નાગરિકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવશે.તેઓએ નાગિરકોને કોરોના રસીકરણ અભિયાનમાં જોડાઇને જલ્દીથી વેક્સિન લઇને કોરોના સામે સુરક્ષિત થવા અપીલ કરી હતી. 
 
વેક્સિનેશનની સફળ કામગીરીના પરિણામે જ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં ઘરખમ ઘટાડો નોંધાયો છે. જેના પરિણામે કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલમાં પરિવર્તિત કરાયેલ રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, મેડિકલ કૉલેજ સહિત અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ ઓ.પી.ડી., સર્જરી, આઇ.પી.ડી. જેવી સેવાઓ પૂર્વવત થઇ છે. 
 
સોલા સિવિલ હોસ્પિટલના સંદર્ભમા તેઓએ દરરોજ 1500થી 2000 દર્દીઓ સારવાર અર્થે હોસ્પિટલમાં આવતા હોવાનું જણાવ્યું હતુ. મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાને સંકલિત કરીને પી.એમ. જે. વાય . યોજનામાં આવરી લેવામાં આવી છે જેનો લાભ પણ રાજ્યભરની હોસ્પિટલમાં દર્દીઓ મોટી સંખ્યામાં લઇ રહ્યા છે.