ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 નવેમ્બર 2021 (11:20 IST)

એક જ દિવસમાં 90 હજારથી વધુ ટિકિટ બુક થઈ, દેશમાં સૌથી વધુ ટિકિટ બુક થવાનો નવો રેકોર્ડ નોંધાયો

ગુજરાત વાહન વ્યવહાર વિભાગની બસોમાં ટ્રાફિકથી બચવા અને સરળતાથી મુસાફરી કરવા માટે લોકો હવે એડવાન્સ અથવા તો ઓનલાઇન બુકિંગ તરફ વળ્યા છે. તેવામાં ગુજરાતના એસટી નિગમ માટે મોટી અને મહત્વની વાત સામે આવી છે. 7મી નવેમ્બર એટલે કે ભાઈબીજના બીજા દિવસે રવિવારે નિગમના ઇતિહાસમાં સૌ પ્રથમવાર 90 હજારથી વધારે ઓનલાઇન કે એડવાન્સ ટિકિટ બુક થઈ છે. પાછલા કેટલાક સમયથી ગુજરાત વાહન વ્યવહાર વિભાગના એડવાન્સ અને ઓનલાઇન ટિકિટ બુક કરાવવાનું ચલણ વધ્યું છે. તેમાં હવે મોબાઈલના ઉપયોગ વધવાના કારણે પ્રવાસીઓ સરળતાથી મુસાફરી કરી શકે તે માટે ટિકિટ બુક કરાવતા હોય છે. ત્યારે આ વર્ષે દિવાળી પહેલા નહીં પરંતુ ભાઈબીજના બીજા દિવસે 7મી નવેમ્બરે, રવિવારના દિવસે નિગમના ઇતિહાસમાં સૌ પ્રથમવાર 9 હજાર 526 ટિકિટ બુક થઈ હતી. ગુજરાત વાહન વ્યવહાર વિભાગના પ્રવક્તા કે.ડી દેસાઈએ જણાવ્યું કે, ન માત્ર નિગમના ઇતિહાસમાં પરંતુ દેશભરમાં પહેલી વાર આવું બન્યું છે, કોઇપણ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં સૌથી વધુ ટિકિટ એક દિવસમાં ઓનલાઇન અને એડવાન્સ બુક થઈ હોય. અગાઉ વર્ષ 2019માં 74 હજાર 300 ટિકિટ બુક થઈ હતી, જે બાદ 7મી નવેમ્બરે રેકોર્ડ બ્રેક ટિકિટ બુક થઈ છે. જેમાંથી નિગમને 1.89 કરોડની આવક થઈ છે. નિગમ તરફથી પ્રવાસીઓને ઓનલાઇન ટિકિટ બુકીંગ માટે પોર્ટલ પર ઘણા સુધારા-વધારા પણ કરાયા છે, જેથી આ દિશામાં સફળતા મળી છે.સૌથી મોટી અને રોચક વાત એ છે કે, ઓનલાઈન-એડવાન્સ ટિકિટ બુકિંગમાં અમદાવાદ-દાહોદ તરફના રોડ પર સૌથી વધુ 15,700 ટિકિટ બુક થઈ છે. જ્યારે અમદાવાદ-ભાવનગર રૂટ પર 13,200 ટિકિટ, રાજકોટ- અમદાવાદ રૂટ પર 9,100 ટિકિટ, અમદાવાદ- વડોદરા રૂટ પર 9000 હજાર ટિકિટ બુક થઈ છે. સામાન્ય દિવસમાં એસટી નિગમની બસોમાં તહેવારોના સમયમાં 30-35 હજાર જેટલી ટિકિટ બુક થતી હોય છે. જે દિવાળી અથવા હોળીના તહેવારોના સમયમાં 40-50 હજાર સુધી પહોંચતી હોય છે. તહેવારો દરમિયાન નિગમના કુલ સંચાલન દરમિયાન 60% પ્રવાસીઓ રાજ્યભરમાંથી દાહોદ-પંચમહાલ તરફ પ્રવાસ કરતા હોય છે. જ્યારે 40% પ્રવાસીઓ સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર ગુજરાત તરફ પ્રવાસ કરતા હોય છે